બાલાસિનોરમાં કુખ્યાત બુટલેગરના ત્યાં સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો,પાંચ વ્યકિતઓ વિરૂધ્ધ ફરિયાદ

  • વિદેશી દારૂ,કાર અને ટુ વ્હીલર મળી ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાલાસિનોરમાં દરોડો પાડી કુખ્યાત બુટલેગરના ત્યાંથી વિદેશી દારૂ ઝડપી લીધો હતો. એક કાર અને ટુ વ્હીલર પણ જપ્ત કરવામાં આવ્યું હતું. પોલીસે દારૂ વેચી રહેલા વ્યકિતની ધરપકડ કરી પાંચ વ્યકિતઓ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો અને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

બાલાસિનોર પોલીસ ઉંઘતી રહી હતી અને ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રામનગર ખાતે સંજયભાઈ મહેરા ભોઈના મકાન પાછળ દરોડો પાડયો હતો. આ જગ્યાએ બુટલેગર રાજેશભાઈ ઉર્ફે બોડો મંગળભાઈ મહેરા (ભોઈ) તેના મળતિયા માણસો જાહેરમાં વિદેશી દારૂ વેચતો હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી હતી. પોલીસે દરોડો પાડતાં કાપડના થેલામાં વિદેશી દારૂ લઈને ઉભા રહેલા વિષ્ણુ રમેશભાઈ વાઘેલાને પોલીસે ઝડપી લીધો હતો. તે જગ્યાએથી એક એક્ટિવા અને કાર પણ જપ્ત કરવામાં આવી હતી અને કારમાંથી પણ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ઝડપી લીધેલ વિષ્ણુભાઈ વાઘેલાની પુછપરછ કરતાં રાજેશભાઈ ઉર્ફે બોડો મહેરા દારૂનો ધંધો કરે છે અને 1પ દિવસથી તે દારૂનુ છૂટક વેચાણ કરવા આવે છે. સંજયભાઈ રણછોડ મહેરા પણ દારૂ વેચવા આવતો હોવાનું તેમજ અજયભાઈ રમણભાઈ મહેરા દારૂના ધંધા પર આવી દારૂનો સ્ટોક પુરો થઈ જાય ત્યારે એક્ટિવા પર આપી જાય છે તેમ જણાવ્યું હતું.

દારૂની રેડ બાદ બોટલો અને ટીન મળી 84 હજાર રૂપિયાની 773 બોટલો, મોબાઈલ,1ર હજાર રોકડા,દોઢ લાખની કાર, પ0 હજારનું ટુ વ્હીલર મળી કુલ ત્રણ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો અને વિષ્ણુભાઈ રમેશભાઈ વાઘેલા, રાજેશભાઈ ઉર્ફે બોડો મંગળભાઈ મહેરા (ભોઈ),અજય રમણભાઈ મહેરા, સંજયભાઈ રણછોડભાઈ મહેરા,કાર માલીક જયદીપ રાયમલભાઈ ચૌહાણ,એક્ટિવા માલીક અને વિદેશી દારૂ પુરો પાડનાર વ્યકિતઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.