- શાળાના બાળકો પાસે શાળા સમય દરમિયાન કમ્પાઉન્ડની સાફ-સફાઈ કરાવતી હોવાની માહિતી મળતા પત્રકાર કવરેજ કરવા ગયા હતા
- બલૈયા કૃષિ શાળાના આચાર્ય સહિત તેમના પત્ની દ્વારા પત્રકારના ઘરે જઈ ધમકીઓ આપી હતી
કેટલાક સંકુચિત માનસ ધરાવતા લોકોને પોતે પ્રજા અને પોતે ન્યાયાધીશ સમજી સત્ય હકીકત પ્રજા સુધી પહોંચતી અટકાવવા જાણે પરવાનગી લઈને બેઠા હોય તેમ વર્તતા હોવાના કિસ્સા જોવા અને જાણવા મળે છે.તેવી જ રીતે ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે આવેલ કૃષિ પ્રાથમિક શાળામાં શાળાના જવાબદારો દ્વારા શાળા સમય દરમિયાન બાળકોને શિક્ષણ આપવાના બદલે શાળા કમ્પાઉન્ડની સાફ સફાઈ કરાવાતી હોવા અંગે પત્રકારને માહિતી મળતા કવરેજ કરવા જતા શાળાની પોલ પ્રજા અને સરકાર સુધી પહોંચતી અટકાવવાના આશયથી શાળાના આચાર્ય તથા તેમના પત્ની પત્રકારના ઘરે પહોંચી જઈ કવરેજ કરવાની અદાવતે ધાક ધમકીઓ આપતા પત્રકાર દ્વારા સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ 19 સપ્ટેમ્બર 24 ના રોજ બલૈયા કૃષિ પ્રાથમિક શાળામાં શાળા સમય દરમિયાન શાળાના જવાબદારો દ્વારા શાળામાં ભણતા બાળકો પાસે શાળાના કમ્પાઉન્ડની સાફ-સફાઈ કરાવતા હોવા બાબતે માહિતી મળતા પત્રકાર કવરેજ કરવા પહોંચ્યા હતા. અને જ્યાંથી બાળકો પાસે કરાવાતી સાફ સફાઈના ફોટા તથા વિડિયો લઈ પત્રકાર પરત ઘરે આવતા રહ્યા હતા. ત્યારબાદ બલૈયા કૃષિ પ્રાથમિક શાળાના આચાર્ય ઈશ્વરભાઈ કલાભાઈ ચંદાણા તથા તેમના પત્ની કે જેઓ ફતેપુરા તાલુકાના મોટીબારા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે તેવા નીપાબેન ઈશ્વરભાઈ ચંદાણા સાંજના છએક વાગ્યાના અરસામાં પત્રકારના ઘરે પહોંચી ગયા હતા.જ્યાં જઈ જણાવતા હતા કે અમો શાળામાં ગમે તે કરીએ તમોએ ફોટા-વિડિયો કેમ લીધા?તેમ જણાવી પત્રકાર સાથે અભદ્ર ભાષામાં વાત કરી તું મોટો પત્રકાર થઈ ગયો છે,તને છોડવાનો નથી ની ધમકીઓ આપી જણાવતા હતા કે હવે પછી શાળામાં આવીશ નહીં તેમજ અમને રસ્તામાં કોઈ પણ જગ્યાએ મળતો પણ નહીં હોય તેમ જણાવી જાહેરમાં બોલાચાલી કરી જતા રહ્યા હતા.જેના વિડીયો પણ પત્રકાર પાસે મોજુદ હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત બાબતે બલૈયા કૃષિ પ્રાથમિક શાળાના આચાર્ય તથા તેમના શિક્ષિકા પત્નીના રોષનો ભોગ બનેલા પત્રકારે સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી આ બાબતે તાત્કાલિક ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જોકે આ શિક્ષક દંપતી એ ભૂલી જાય છે કે,લોકશાહી સમાજમાં જનતાનો અવાજ વધારવાનું સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત મીડિયા દ્વારા છે.અને તે માત્ર ક્ષેત્રિય રીતે નહીં પરંતુ તે સમગ્ર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના સંદર્ભમાં અસર કરે છે.મીડિયા સરકારની પ્રવૃત્તિઓ ઉપર દેખરેખ તરીકે કાર્ય કરે છે.અને અભિવ્યક્તિની સ્વતંત્રતા,બહુવચન વાદ,કોપી રાઈટ સરક્ષણ જેવા ચોક્કસ મૂલ્યના આધારે કાર્ય કરે છે.તેમજ દરેકને અભિપ્રાય અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સીમા ને ધ્યાનમાં લીધા વિના કોઈપણ માધ્યમ દ્વારા માહિતી શોધવા અને પ્રદાન કરવાનો અધિકાર છે.