બાળી નાખે તેવી ગરમીમાં નેતાએ ગરીબોમાં ધાબળાનું વિતરણ કર્યું

કોલકતા,સમગ્ર દેશમાં બાળી નાખે તેવી ગરમી પડી રહી છે. ભારતની સાથે સાથે દક્ષિણી ચીન અને થાઈલેન્ડમાં પણ આવી જ ગરમી પડી રહી છે. આ વખતે એપ્રિલ મહિનામાં જ ગરમી પોતાનું રૌદ્ર સ્વરુપ દેખાડી રહી છે. સ્થિતી એવી થઈ છે કે, લોકો ગરમીથી બચવા માટે અલગ અલગ રીત અપનાવી રહ્યા છે. પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો જોયા બાદ આપ પણ માથુ પકડી લેશો. આમ તો માથુ પકડવાનું કારણ તેમાં આકરો ઉનાળો કે ગરમી નથી. પણ ગરમીની સીઝનમાં ટીએમસીના નેતા ગરીબોને ધાબળા વહેંચી રહ્યા છે. જેને જોઈને સૌ કોઈ હેરાન થઈ જશે. આ કિસ્સો પશ્ર્ચિમ બંગાળનો છે. જ્યાં નાદિયા જિલ્લાના કરીમપુરમાં ટીએમસીના ધારાસભ્ય વિમલેંદુ સિંહ રોયે ગરીબોની વચ્ચે જઈને ધાબળા વહેંચતા જોવા મળ્યા હતા.

તો વળી જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો, ધારાસભ્ય વિમલેન્દુ રોયે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ઈદના અવસર પર તેમણે ગરીબોને કપડાનું દાન કર્યું હતું. આ કપડામાં ધાબળા પણ હતા, જે વહેંચી દીધા. આપને જણાવી દઈએ કે, આ વીડિયોને અત્યાર સુધીમાં ૭ હજારથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે.

અહીં ઉલ્લેખનિય છે કે, વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે. જેને સુભાષ વાજપેયી નામના યુઝર્સે શેર કર્યો છે. તો વળી આ વીડિયો જોયા બાદ લોકો પણ હેરાન થઈ ગયા છે કે, આટલી ગરમીમાં ધાબળાની શું જરુર, હાલમાં તો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.