નવીદિલ્હી, લોક્સભામાં ક્રિમિનલ લો સાથે જોડાયેલ ત્રણ બિલ બુધવારે પાસ થયા હતા અને આ ત્રણ બિલો પરની ચર્ચા સમયે ઘણી દલીલો થઈ હતી. એવામાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લીમીન એટલે કે એઆઇએમઆઇએમના પ્રમુખ અને હૈદરાબાદ સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ બિલ પર ચર્ચા દરમિયાન ઘણા મુદ્દા ઉઠાવીને દલીલો કરી હતી.
ઓવૈસીએ આ દલીલો દરમિયાન કેટલાક પુરુષો સામે થતી શારીરિક સતામણી વિશે મુદ્દાઓ ઉઠાવ્યા હતા પણ જ્યારે તેમણે આ કહ્યું તો કેટલાક સંસદના સભ્યો હસવા લાગ્યા, જેના પર ઓવૈસીએ કહ્યું કે કદાચ તમને ખબર નથી પણ આવું થાય છે અને આ માટે કાયદાને તટસ્થ બનાવવાની જરૂર છે.
લોક્સભામાં જે ત્રણ બિલ પસાર કરવામાં આવ્યા છે તેમાં ભારતીય ન્યાય (સેકન્ડ) કોડ ૨૦૨૩, ઇન્ડિયન સિવિલ ડિફેન્સ (સેકન્ડ) કોડ ૨૦૨૩ અને ઇન્ડિયન એવિડન્સ (સેકન્ડ) બિલ ૨૦૨૩નો સમાવેશ થાય છે. ગૃહમંત્રી અમિત શાહના વિગતવાર જવાબ બાદ તેને વોઇસ વોટથી મંજૂર કરવામાં આવ્યો હતો. આ ત્રણ બિલ ભારતીય દંડ સંહિતા,૧૮૬૦, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર,૧૮૯૮ અને ભારતીય પુરાવા અધિનિયમ, ૧૮૭૨ ને બદલવા માટે લાવવામાં આવ્યા છે.
લોક્સભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ બિલ પર ચર્ચા દરમિયાન કહ્યું, ’શું બળાત્કાર માત્ર મહિલાઓ સાથે જ થાય છે? શું પુરુષો પર બળાત્કાર નથી થતો? બિલમાં આ અંગે કોઈ જોગવાઈ નથી. હવે થયું એવું કે જ્યારે ઓવૈસીએ આ કહ્યું તો કેટલાક સભ્યો હસવા લાગ્યા હતા, આ જોઇને ઓવૈસીએ કહ્યું, ’તમે હસી રહ્યા છો. કદાચ તમને ખબર નથી પણ આવું થાય છે. જો કે તમારું હાસ્ય એવું બતાવી રહ્યું છે કે તમે જાણો છો કે આવું કોની સાથે થયું છે.’ આ દલીલમાં સાથ પૂરતા જસ્ટિસ જેએસ વર્માએ કહ્યું કે બિલને લિંગ તટસ્થ એટલે કે જેન્ડર ન્યૂટ્રલ બનાવવું જોઈએ.’
આ સાથે જ ઓવૈસીએ વધુમાં કહ્યું કે, કલમ ૬૯માં લવ જેહાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમે તેને સાબિત કરી શકશો નહીં. આમાં તમારે જણાવવું પડશે કે ઓળખ છુપાવીને સંબંધ બનાવવામાં આવ્યા છે. એટલે કે જો કોઈ સ્ત્રી મોનુ માનેસર કે ચોમુ ચંડીગઢના પ્રેમમાં હોય. પછીથી, જો તેને ખબર પડે કે તે ચંદીગઢ કે માનેસરનો નથી, તો શું કલમ ૬૯ અમલમાં આવશે? જો કોઈનું નામ મુસ્લિમોના નામની જેમ સામાન્ય હોય, તો શું આ કલમ લાગુ પડશે?’