કન્નડ ઈન્ડસ્ટ્રીમાંથી અત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને જાણવા મળ્યું છે કે, એક્ટર-પ્રોડ્યુસર વીરેન્દ્ર બાબુ ઘણી મુશ્કેલીમાં છે. તેના પર બળાત્કારનો આરોપ છે. આ આરોપમાં કોડીગેહલ્લી પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસ શનિવારના રોજ તેની ધરપકડ કરવા પહોંચી હોવાનું જાણવા મળે છે. મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે કે, એક મહિલાએ તેના પર ગંભીર આરોપ લગાવ્યા છે. ૩૬ વર્ષીય મહિલાએ અભિનેતા પર છેલ્લા બે વર્ષમાં બળાત્કાર, બ્લેકમેલ અને પૈસા અને સોનું પડાવવાનો આરોપ લગાવ્યો છે.
આ ધરપકડ બાદ કન્નડ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો આશ્ર્ચર્યચક્તિ છે, અને એવું કહેવામાં આવી રહ્યું છે કે, આવું ક્યારે થયું તેની કોઈને માહિતી નથી. વીરેન્દ્રની વાત કરીએ તો તે ૨૦૧૧માં આવેલી ફિલ્મ સ્વયં કૃષિ માટે જાણીતો છે.
ઉલ્લેખનીય છે કે, વીરેન્દ્ર બાબુએ આ મહિલા સાથે અગાઉ મિત્રતા કરી હતી અને તેને પોતાના ઘરે બોલાવી હતી. તેણે તેણીને કોફીમાં નશીલા પદાર્થ નાખીને પીવડાવ્યું હતું. જે બાદ તેનું જાતીય શોષણ કર્યું હતું. તેણે આ ઘટનાનું રેકોર્ડિંગ પણ કર્યું હતું અને તેને બ્લેકમેલ કરીને ૧૫ લાખ રૂપિયા ઓનલાઈન ચૂકવવા દબાણ કર્યું હતું. આ સમગ્ર ઘટના ૩૦ જુલાઈની જણાવવામાં આવી રહી છે.
આ સાથે એવું પણ જાણવા મળી રહ્યું છે કે, પોલીસે નિર્માતા પાસેથી લેપટોપ અને મોબાઈલ જેવી વસ્તુઓ રિકવર કરી છે. હવે જોવાનું એ રહેશે કે એક્ટર-પ્રોડ્યુસર સામે કેવા પગલા લેવામાં આવે છે.ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી અવારનવાર આવા સમાચારો સામે આવે છે, અને સ્ટાર્સ કે મેર્ક્સ પર છેતરપિંડીનો આરોપ પણ લગાવવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે, કન્નડ ઈન્ડસ્ટ્રી આ ઘટનાથી દુ:ખી છે.