બાલાસિનોરમાં હાથીના દાંતનુ વેચાણ થતુ હોવાની બાતમીના આધારે વાઈલ્ડ લાઈફ કંટ્રોલને મળતા હાથીના દાંત સાથે 5 આરોપીને સ્થાનિક વનવિભાગે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વાઈલ્ડ લાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરોને માહિતી મળી હતી કે, મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે હાથીના દાંતનુ વેચાણ થઈ રહ્યુ છે. જેથી મહિસાગર વનવિભાગની ટીમ, બાલાસિનોર રેન્જના અધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખીને વાઈલ્ડ લાઈફ ક્રાઈમ કંટ્રોલના કર્મચારી સાથે રહી વેપારી બની છટકુ ગોઠવ્યુ હતુ. અને હાથીના દાંત વેચનાર ઈદરીસ મહંમદ શેખને મળ્યા હતા.
પરંતુ ઈદરીસને ભનક લાગી જતાં હાથી દાંતની ડીલ કેન્સલ કરી હતી. જેથી વાઈલ્ડ લાઈફ ક્રાઈમ કંટોલ બ્યુરોના કર્મચારી અને સ્થાનિક વનવિભાગ સાથે સ્થાનિક પોલીસના માણસો સાથે રાખીને ઈદરીસના ધરે રેઈડ કરી હતી. જેથી આરોપી ઈદરીસ ડરી ગયો હતો. અને કબુલાત કરી હતી. ઈદરીસે પ્રાથમિક પુછપરછમાં જણાવ્યુ હતુ કે, મારા ધરે હાથી દાંત નથી પરંતુ અમારા પાર્ટનર સુલતામ અહેમદ ગુલામનબી(રહે.પાયગા વિસ્તાર, બાલાસિનોર)ના ધરે છે.
જેથી ટીમ દ્વારા અહેમદના ધરે રેઈડ કરતા અહેમદ પત્નિ શાહીદાબાનુ પાસેથી હાથીના દાંતના 4 ટુકડા મળી આવ્યા હતા. જેથી વનવિભાગ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ આરોપી ઈદરીસ મોહંમદ શેખ, સમીર સેફીભાઈ શેખ, અખ્તર હુસેન તાજમહંમદ શેખ, સાહિસ્તાબાનો સુલ્તા અહેમદ શેખ, સુલ્તાન શેખ સામે ગુનો નોંઘ્યો હતો.