બાલાસિનોરના વડદલા ગામે બી.ઓ.બી.બેંકમાંથી સી.સી.ટી.વી.અને ડી.વી.આર.ની ચોરી

લુણાવાડા, મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના વડદલા ગામે આવેલ બેંક ઓફ બરોડામાંથી તસ્કરોએ સીસીટીવી કેમેરાનુ ડી.વી.આર.અને બી.એસ.એન.એલ.કંપનીનુ મોડેમ મળી કુલ રૂ.30,100/-ની ચોરી કરતા બાલાસિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી.

વડદલા ગામે તા.19ના રોજ બેંક ઓફ બરોડાની સામે રહેતા શૈલેષભાઈ વહેલી સવારે બેંકના પટાવાળા દિનેશભાઈ કેશવને ફોન કરી જણાવ્યુ હતુ કે,બેંકને મારેલ તાળા તુટેલા જણાય છે અને દરવાજો ખુલ્લો છે ચોરી થઈ હોવાનુ જણાઈ આવે છે. તેમ કહેતા પટાવાળા દિનેશભાઈએ જોઈન્ટ મેનેજર અમીત મુકેશ ગુપ્તાને ફોન કરી જણાવતા તેઓ બેંક ઓફ બરોડા પહોંચી તપાસ કરતા ટેબલ પરનો સામાન વિખરેલો જોવા મળ્યો હતો. એક રૂમમાં મોટી તિજોરી કે જેમાં બેંકની કેશ રહે છે તેને તોડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તિજોરી તુટી ન હતી. જેથી બેંકમાંથી સીસીટીવી કેમેરાનુ ડી.વી.આર.રૂ.24,600/-તેમના બેંકના કામકાજ માટે ઈન્ટરનેટ બી.એસ.એન.એલ.કંપનીનુ મોડેમ રૂ.5,500/-મળી કુલ રૂ.30,100/-ની ચોરી કરી હતી. આ બનાવની જોઈન્ટ મેનેજર અમીત મુકેશ ગુપ્તાએ ફરિયાદ નોંધાવતા બાલાસિનોર પોલીસે તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.