બાલાસિનોર, મહિસાગર જિલ્લાના બાલાસિનોર અને વિરપુર પંથકમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ થતાં ખેડુતો ફરી ચિંતામાં મુકાયા છે. શિયાળુ વાવેતરમાં વાતાવરણ બદલાતા પડ્યા પર પાટું જેવી સ્થિતિનુ નિર્માણ થયુ છે.
બાલાસિનોર અને વિરપુર તાલુકા પંથક વિસ્તારમાં હાલ શિયાળુ પાકનુ મોટાભાગનુ વાવેતર થઈ ગયુ છે. જયારે વાદળછાયા વાતાવરણના પગલે ધઉં, બાજરી, મકાઈ, દિવેલા અન કપાસ જેવા શિયાળુ પાકમાં જીવાત પડવાની શકયતાઓ દેખાઈ રહી છે ત્યારે ખેડુતોની સ્થિતિ હાલ કપરી બનતા દેખાઈ રહી છે. આ બાબતે ખેડુતો રમેશભાઈએ જણાવ્યુ હતુ કે,ચોમાસુ પાક લેવાના સમયે વરસાદ પડતાં ડાંગર પાક વરસાદમાં પલળી જવાથી ધરે લઈ જવા લાયક રહ્યો હતો ત્યારે હાલ ધઉંનુ વાવેતર કરતા જ વાતાવરણ બદલાઈ ગયુ છે ત્યારે આ વર્ષે ખેતીમાં મહેનત જેટલુ પણ વાવેતર મળ્યુ નથી. હાલ વાદળછાયુ વાતાવરણ છે મહિસાગર જિલ્લામાં માવઠું પડવાની શકયતાઓ નથી પરંતુ હાલ આ વાતાવરણમાં વાવેતર કરેલા પાકોમાં પિયત કરવુ ખેડુતોએ ટાળવુ જોઈએ તેમ મહિસાગર જિલ્લા ખેતીવાડી અધિકારી જે.આર.પટેલે જણાવ્યુ હતુ.