બાલાસિનોર, બાલાસિનોરથી દેવ ચોકડી સુધી કેટલાક શોપિંગ સેન્ટરો ગેરકાયદે હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જેમાં જોરાપુરા પાસે બનાવેલ બે શોપિંગ સેન્ટરમાં બનાવેલા અમુક દુકાનોની લે-આઉટના નકશા મુકયા વગર મામલતદાર કચેરીમાંથી નોંધ પાડવામાં આવી હોવાના આક્ષેપ કરાયા છે. છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરાતા હોવાની ચર્ચાઓ ઉઠી છે.
બાલાસિનોરથી દેવ ચોકડી સુધી અનેક લોકોએ ખેતીલાયક જમીનમાં દુકાનોનુ બાંધકામ કરીને લાખો રૂપિયાની કમાણી ઉભી કરી હોવાનુ જાણવા મળ્યુ છે. લુણાવાડાથી બાલાસિનોરને જોડતા મુખ્ય માર્ગ પર અનેક અંતર છોડીને કોમર્શિયલ બાંધકામ કરવાનુ હોય છે. પરંતુ લોભી બિલ્ડરોએ રોડને અડીને બાંધકામ કરવામાં આવતા અકસ્માત થવાની શકયતાઓ દેખાઈ રહી છે. ત્યારે આ તમામ શોપિંગ સેન્ટરો વાળી જગ્યા બિનખેતીલાયક થઈ છે કે કેમ શોપિંગ સેન્ટરનો નકશો સરકારી નિયમ મુજબ બનાવવામાં આવ્યો છે કેમ તેવા પ્રશ્ર્નો ચર્ચાઈ રહ્યા છે. બીજી બાજુ બાલાસિનોર તાલુકાના જોરાપુરા નજીક આવેલ બે શોપિંગ સેન્ટરમાં બનાવેલ અમુક દુકાનોમાં લે-આઉટના નકશા મુકયા વગર મામલતદાર કચેરીમાં નોંધ પાડી હોવાના આક્ષેપ કરાયા છે.