બાલાસિનોર, સરકાર એક બાજી વૃક્ષારોપણ માટે કરોડો રૂપિયા વેડફી રહી છે ત્યારે મહિસાગર જિલ્લામાં બેરોકટોક લીલા વૃક્ષોનુ નિકંદન થતાં પર્યાવરણ પ્રેમીઓ નારાજગી જોવા મળી રહી છે. તંત્ર દ્વારા વૃક્ષોનુ નિકંદન કાઢતા લોકો સામે કાર્યવાહી કરવામાં નહિ આવતા તાલુકામાંથી દિવસ-રાત વાહનોમાં લીલા વૃક્ષોના લાકડાની હેરાફેરી થઈ રહી છે. અને ગેરકાયદેસર લાકડા ભરેલા જોખમી રીતે હંકારતા હોવાથી નાના-મોટા અકસ્માતો થવાની સંભાવના રહેલી છે. જો વૃક્ષોનુ નિકંદન કરતા તત્વોને રોકવામાં નહિ આવે તો લીલોછમ બાલાસિનોર તાલુકાને રણપ્રદેશ બનતા વાર નહિ લાગે. વધુમાં તાલુકાના ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ગોૈચર જમીનોમાંથી પણ ગેરકાયદેસર રીતે લીલા વૃક્ષો કપાઈ રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે વનવિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉભી થઈ છે.