બાલાસિનોર તાલુકામાં અનિયમિત વરસાદ વચ્ચે 8367 હેકટરમાં ચોમાસુ પાકનુ વાવેતર

બાલાસિનોર તાલુકામાં 8367 હેકટર જમીનનુ ચોમાસુ વાવેતર થયુ છે. વાવેતરને હાલ વરસાદની સાચી જરૂર છે. પરંતુ વરસાદ ન થતાં ખેડુતો ચિંતાતુર બન્યા છે. તાલુકામાં અત્યા સુધી માત્ર 13.33 ટકા જ વરસાદ થયો છે. જો તાલુકામાં સમયસર સારો વરસાદ શરૂ થઈ જાય તો હજુ ચોમાસુ વાવેતરમાં વધારો થશે.

મહિસાગર જિલ્લામાં આ વર્ષે જુલાઈ મહિનો પુરો થવાના આરે આવી જતાં છતાં વરસાદ ઓછો પડ્યો છે. બાલાસિનોર તાલુકામાં અત્યાર સુધીમાં માત્ર 13.33 ટકા વરસાદ નોંધાયો છે. અને તે પણ છુટો છવાયો જ પડ્યો છે. જેના કારણે અત્યાર સુધીમાં ચોમાસુ વાવેતરની ધટ જણાઈ રહી છે. દર વર્ષે ચોમાસામાં બાલાસિનોર તાલુકામાં 13 હજાર હેકટરમાં ચોમાસુ વાવેતર થાય છે. પરંતુ ઓછા વરસાદના કારણે આ વખતે 8367 હેકટર જમીનમાં જ ખેતી થઈ છે. હજુ 5 હજાર હેકટરમાં વાવેતર બાકી છે. તાલુકામાં કપાસ, મકાઈ, સોયાબીન, શાકભાજી, બાજરી, તુવેર જેવા પાકોનુ વાવેતર કરવામાં આવ્યુ છે. તાલુકામાં કરાયેલ વાવેતરને હાલ પાણીની જરૂરિયાત છે. પરંતુ વરસાદ પડતો નથી અને ગરમી પડી રહી હોય ત્યારે કેટલાક વિસ્તારોમાં બિયારણ પણ બગડે તેવી સ્થિતિનુ નિર્માણ થયુ છે.