બાલાસિનોર પાલિકા માં ઉલ્ટી ગંગા : કમળકાકડી કાઢ્યા વિના 6 કરોડના ખર્ચે તળાવનું બ્યુટીફિકેશન

બાલાસીનોર, બાલાસિનોર નગરપાલિકાના સભ્યોની ટર્મ પૂરી થઈ જતાં છેલ્લા કેટલાય મહિનાથી વહીવટદાર રાજથી ચાલે છે. ત્યારે પાલિકાનો અણગઢ વહીવટ સામે આવ્યો છે. બાલાસિનોર નગરમાં આવેલ સુદર્શન તળાવમાંથી કમળકાકડી કાઢ્યા વગર અમૃત:2.0 યોજના અંતર્ગત તળાવના જળાશયનો કાયાકલ્પ પાછળ અંદાજીત 6 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવતા પાલિકામાં ઉલ્ટી ગંગા વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

રાજ્ય સરકાર દ્વારા બાલાસિનોર નગરપાલિકાને અમૃત:2.0 યોજના અંતર્ગત સુદર્શન તળાવના કાયાકલ્પ માટે આશરે રૂપિયા 6 કરોડ ફાળવ્યા છે. ત્યારે સ્થાનિક નગરજનો દ્વારા તળાવમાં ઊગેલ કમળ કાકડીના નિકાલ બાદ કામ કરવા અનુરોધ કરાયો હતો. પરંતુ નગરજનોના અનુરોધની દરકાર લીધા વિના પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે બીજી તરફ નગરના સુદર્શન તળાવમાં વર્ષોથી અડિંગો જમાવેલ કમળકાકડી થી નગરજનોમાં ભારે રોષ ફેલાયો હતો. તળાવની આસપાસ રહેણાંક વિસ્તારોમાં તળાવની ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. તેમજ આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાઈ રહી છે.

કમળ કાકડીના પાણી ચૂસી લેવાથી તળાવમાં પાણી ટકતું ન હોવાનું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે. સુદર્શન તળાવ નગરમાં એકમાત્ર ફરવા લાયક સ્થળ ગણાય છે. તેમ છતાં પાલિકા દ્વારા કમળ કાકડીનો નિકાલ કર્યા વગર સુદર્શન તળાવનું કાયાકલ્પનું કામ શરૂ કરવામાં આવતા નગરજનોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે સુદર્શન તળાવમાંથી સત્વરે કમળકાકડી હટાવ્યા બાદ કાયાકલ્પનું કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.