બાલાસિનોર,રાજ્યમાં આવેલી નગર પાલિકાઓના કર્મચારીઓના પડતર પ્રશ્ર્નોના નિરાકરણ લાવવામાં ન આવતાં તમામ કર્મચારીઓ, પરિવાર સહિતના લોકો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી સાથે પાલિકાના ચીફ ઓફીસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નગર પાલિકાઓમાં ફરજ બજાવતા અધિકારી, કર્મચારીઓનાં વર્ષોથી પડતર પ્રશ્ર્નો બાબતે રાજ્ય સરકારને રજૂઆતો કરવામાં આવી હતી. જોકે યોગ્ય નિરાકરણ લાવવામાં ન આવતાં 7 માર્ચના રોજ પણ આવેદન આપવામાં આવ્યું હતું. જે બાદ પણ કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આખરે બાલાસિનોર નગર પાલિકાના કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યું છે કે, પડતર પ્રશ્ર્નોનું સત્વરે નિરાકરણ નહીં લવાય તો નગર પાલિકાના તમામ કર્મચારીઓ મતદાનનો બહિષ્કાર કરશે.