બાલાસિનોરના નવા મુવાડા ગામે પાણીની પાઈપલાઈન નાંખવાની કામગીરી હાથ ધરાઈ

બાલાસિનોર, બાલાસિનોર તાલુકાના વડદલા તાબે આવેલ નવા મુવાડા ગામમાં એક વર્ષથી 45000 લીટરની કેપેસિટી વાળો સંપ પુરવઠા વિભાગ દ્વારા બનાવવામાં આવ્યો છે. પરંતુ પાઈપલાઈનની જોડાણની કામગીરી પુર્ણ ન કરાતા ગ્રામજનોમાં ભર ઉનાળે પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ નવા મુવાડા ગામના લોકોને પાણી માટે હાલાકી વેઠવી પડી રહી છે. નલ થી જલ નહિ મળતા સંપમાંથી દરરોજ પાણી કાઢવા માટે જીવના જોખમે ડોકીયા કરવા પડી રહ્યા છે. તથા લોકો દોરડાંથી સંપમાંથી પાણી ખેંચવા મજબુર બનતા તંત્ર સામે રોષ જોવાઈ રહ્યો હતો. આ અંગેના અહેવાલો પ્રસિદ્ધ કરાતા પાણી પુરવઠા વિભાગ તંત્ર દોડતુ થઈ ગયુ અને તાત્કાલિક પાઈપલાઈન નાંખવાની સાથે ધરોમાં નળ બેસાડવાની કામગીરી ચાલુ કરવામાં આવતા લોકોમાં ખુશી જોવા મળી હતી.