બાલાસીનોર, બાલાસીનોર તાલુકાના જેઠોલી ગમાની સીમમાં આવેલા ખેતરોમાં મોટી પાઇપ લાઈન કરવા માટે ખેડૂતોની પૂર્વ સમંતિ લીધા સિવાય અંદાજીત 20 ફૂટના ખાડા ખોદી નાખતા ખેડૂતોમાં રોષ ભભુકી ઉઠયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર તાલુકાના જેઠોલી ગામની સીમમાં નર્મદા જળ સંપતિ અને પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગરની યોજના અંતર્ગત મહીસાગર નદી આધારિત કપડવંજ, કઠલાલ, બાલાસિનોર, ગળતેશ્ર્વર, ઠાસરા તાલુકાના તળાવો ભરવા માટેની યોજના અંતર્ગત એલ.સી.સી પ્રોજેક્ટ પ્રા. લીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં એજન્સી દ્વારા ખેતરમાં ખોદકામ કરતા પહેલા ખેડૂતની પૂર્વ મંજૂરી લેવાની હોય છે જેમાં ખેડૂતોને ઉભા પાક અને થયેલ નુકશાનીનું વળતર આપવાનું હોય છે, પરંતુ આ એજન્સી દ્વારા જેઠોલી સીમના કોઈ ખેડૂતોની પૂર્વ મંજૂરી લીધા સિવાય ખોદકામ કરતા ભારે નુકસાની થવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.