બાલાસિનોરના જેઠોલી પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડા બાબતે મહીસાગર જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શાળા બે પાળીમાં શિક્ષણ આપવાનો હુકમ કર્યો.

બાલાસિનોર તાલુકાના જેઠોલી ગામ ખાતે પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડા થઈ જતાં જીવના જોખમે અને ખુલ્લા આભ નીચે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની ફરજ પડી હતી. જે બાબતે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થતા મહીસાગર જીલ્લા શિક્ષણ અધિકારી એક્શન મોડમાં આવી ગયા હતા અને બે પાળીમાં શિક્ષણ આપવામાં આવે તેવી મંજૂરી આપી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર તાલુકાના જેઠોલી પ્રાથમિક શાળામાં વર્ષો પહેલા બાંધકામ કરવાના આવ્યું હતું. આ શાળામાં વર્ષો વીતતા શાળાની છત અને દીવાલો જર્જરિત થઇ હતી. જે બાબતે શાળામાં સને 22 ડિસેમ્બર 2021ના રોજ મહીસાગર જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા શાળાના 11 ઓરડાઓ પૈકી 08 ઓરડાઓ જર્જરિત છે. જર્જરિત 8 ઓરડાઓમાં વિદ્યાર્થીઓ ના બેસાડવા તેમજ વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી તેમજ અનેક શરતી હુકમ કરાયો હતો, પરંતુ શાળાના શિક્ષકો અને આચાર્યો દ્વારા જીવના જોખમે બાળકોને જર્જરિત ઓરડાઓમાં તેમજ ખુલ્લી જગ્યાએ બેસાડવામાં આવતા હતા. જે બાબતે પંચમહાલ સમાચરમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં મહીસાગર જીલ્લા શિક્ષણ અધિકારી અવનીબા મોરી એક્શન મોડમાં આવ્યા હતા. જેમાં જેઠોલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 351 બાળકો પૈકી ધોરણ 1 થી 5 ના બાળકોને સવારે 7.15 થી 12.15 કલાક સુધી પહેલી પાળી અભ્યાસ અર્થે બોલાવવા અને બીજી પાળીમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને 12.15 થી 5.15 સુધી સમયગાળામાં વિધાર્થીઓને શાળા શિક્ષણ કાર્ય શરૂ કરવા માટેની મંજુરી આપી હતી. જે સંદર્ભે વાલીઓએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.