બાલાસિનોર, બાલાસિનોર તાલુકાના દોલતપોરડા ગ્રામ પંચાયતમાં તત્કાલિન તલાટી દ્વારા લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર આચર્યા બાદ પુન: સ્થળ તપાસ બાબતે બાલાસિનોર તાલુકા પંચાયતના અધિકારીઓએ સ્થળ તપાસ કર્યા વિના પુન: અહેવાલ તૈયાર કરી ભ્રષ્ટાચારી તલાટીને છાવરતા હોવાના આક્ષેપ સાથે સરપંચ મનોજ પટેલ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને અરજી આપવામાં આવી છે.
દોલતપોરડાના સરપંચ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને કરેલી લેખિત અરજીમાં જણાવ્યુ છે કે, તાલુકા વિકાસ અધિકારી બાલાસિનોર દ્વારા કોઈપણ સ્થળ તપાસ કર્યા વિના અને અરજદારની જાણ સિવાય જે તે સમયના અધિકારી મદદનીશ ઈજનેર તાલુકા પંચાયત બાલાસિનોરનો તા.21 ફેબ્રુ.2023નો સ્થળ તપાસનો બનાવટી અને ખોટો અહેવાલ રજુ કરી જિલ્લા વિકાસ અધિકારીને ગેરમાર્ગે દોરી ગેરરિતી કરનારને બચાવવાનો પ્રયાસ કર્યો છે. જેની દરેક મુદ્દા સાથે સાથેની વિગતો અને પુરાવાઓ સાથે અરજી કરવામાં આવી છે. જેમાં 25થી વધુ મુદ્દાઓ લખવામાં આવ્યા છે. આ તત્કાલિન તલાટી ઉર્મીલા બેલદાર દ્વારા પંચાયતના વેરા વસુલાતમાં ગેરરિતી તત્કાલિન તલાટી કમ મંત્રી દ્વારા ગ્રામજનો પાસેથી વેરા વસુલાત કરી અંદાજિત 1,50,000જેટલી રકમ ગ્રામ પંચાયતના ખાતામાં જમા કરેલ નથી અને નાણાંની ઉચાપત કરી છે. વેરા વસુલાતને બનાવટી રોજમેળમાં હાથ ઉપરથી સીધો ખર્ચ બતાવીને ખુબ જ ચાલાકીથી રોજમેળ ઉપર જમા ઉધાર ધરેલા છે. હાથ ઉપરથી સીધો ખર્ચ કર્યા હોય તેવા કોઈ પુરાવા નથી તમામ વાઉચર કોરા છે. સરપંચની સહી નથી આ ઉપરાંત 14માં નાણાં પચમાં પણ બિલ કરતા વધારે નાણાં ઉપાડી કાયમી ઉચાપત કરેલી છે. બાલાસિનોર તાલુકા પંચાયત દ્વારા તપાસની ટીમ દ્વારા જિલ્લાકક્ષાએ ગેરમાર્ગે દોરી પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરી ગેરરિતી કરનારને બચાવવાનો પ્રયત્ન કરે છે. તેમજ આપની કક્ષાએ પણ અમારા દ્વારા વારંવાર લેખિત તેમજ મોૈખિક રજુઆતો કરવા છતાંય કોઈ કાર્યવાહી કરી નથી. જેવી સ્પષ્ટ સુચના મુજબ તાલુકા વિકાસ અધિકારીએ અરજદારને સાથે રાખીને અહેવાલ મોકલવાનો હતો છતાં કોઈપણ પ્રકારની સ્થળ તપાસ વગર અહેવાલ આપની કક્ષાએ આપેલો છે. જેમાં ગંભીર બાબતો બનાવટી દફતર તેમજ વેરા વસુલાત થયેલ ગેરરિતીનો કોઈ ઉલ્લેખ ન કરી તેઓના દ્વારા પણ ગેરરિતી કરનારાઓને બચાવવાનો પ્રયત્ન કર્યો છે. જેવી અરજી મહિસાગર જિલ્લા વિકાસ અધિકારીને કરતા ભ્રષ્ટાચારમાં અનેક બીજા તલાટીઓના નામ પણ ખુલવાની શકયતાઓ દેખાઈ રહી છે.