બાલાશિનોરના 44 ગામમાં સફાઇની રૂા.14.16 લાખ ગ્રાન્ટ પહોંચી જ નહીં

  • બાલાસિનોર 16 કલાક પહેલાં જાન્યુઆરીથી માર્ચ મહિનાની ગ્રાન્ટ પેન્ડિંગ રહેતા અનેક કામો અટવાયાં.
  • તાલુકા પંચાયતના રગશિયા ગાડા જેવા વહીવટને પગલે સરપંચોમાં રોષ.

બાલાસીનોર,બાલાસિનોર તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી કામ પદ્ધતિને લઈને દિન પ્રતિદિન વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ત્યારે તાલુકા વિકાસ અધિકારીની અનેક બીલો સહિત ગ્રાન્ટના ચેકમાં સહી ન કરવાના પગલે ગ્રાન્ટોના રૂપિયા ગ્રામ પંચાયત સુધી પહોંચ્યા નથી.

મળતી વિગતો અનુસાર બાલાસિનોર તાલુકા પંચાયત અંતર્ગત બાલાસિનોર તાલુકાની 44 ગ્રામ પંચાયતોને આપવામાં આવતી સ્વચ્છ ગામ,સ્વસ્થ ગામની રકમ તેમજ અન્ય ગ્રાન્ટમળીને જાન્યુઆરી મહિનાથી લઈ માર્ચ 2023 સુધીની રૂ.14.16 લાખ માતબાર રકમની ગ્રાન્ટ તાલુકા વિકાસ અધિકારીની આળસના પગલે ચેક પર સહી ન કરતા આજદિન સુધી આ ગ્રાન્ટ તાલુકામાંથી ગ્રામ પંચાયત સુધી પહોંચી નથી.

જ્યારે અનેક ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કરવામાં આવેલા વિકાસના કામો જેના બિલો છેલ્લા કેટલાય સમયથી બિલ પાસ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી ટેબલ પર પડેલા બીલમાં સહી ન કરતા ગ્રામ પંચાયતના કેટલાય સરપંચોના બિલો અટવાયા હોવાનું જાણવા મળેલ છે. ત્યારે બાલાસિનોર તાલુકા પંચાયતના સદસ્યો સહિત ગ્રામ પંચાયતના સરપંચ તાલુકા પંચાયતના રગશિયા ગાડા જેવા વહીવટને પગલે ત્રાહિમામ પોકારી ગયા છે.

લિસ્ટ તૈયાર કરી દીધું છે, સાહેબ આવે તો સહી થશે.

આ બાબતે ગ્રાન્ટનું લિસ્ટ બનાવતા ક્લાર્ક અક્ષયભાઈ ભમાતને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, મેં પહેલા લિસ્ટ તૈયાર કર્યું હતું. જેમાં ભૂલ આવતા બીજું લિસ્ટ તૈયાર છે, પણ સહી કરે એટલે જમા થઈ જાય એમ છે.