એક બાજુ સરકાર દ્વારા વૃક્ષારોપણની જાહેરાતો પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. અને વનવિભાગ દ્વારા વૃક્ષોનુ વાવેતર કરવામાં આવી રહ્યુ છે. જયારે બીજી બાજુ લાકડા ચોરો દ્વારા લાકડા વેચવાની લ્હાયમાં વૃક્ષોનુ કટિંગ કરી કમાણી કરવામાં આવી રહી છે. ત્યારે આવા ગેરકાયદે લાકડાનુ કટિંગ થતુ હોય અને વનવિભાગને કાર્યવાહી કરવામાં કોની શરમ નડે છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે બાલાસિનોર મામલતદાર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગેરકાયદે લાકડા ભરીને હેરાફેરી કરતા બે ટ્રેકટર ઝડપી પાડ્યા હતા. જેના કારણે લાકડા ચોરોમાં ભયનો માહોલ સર્જાયો છે. બાલાસિનોર તાલુકામાં દેશી બાવળ, લીમડો, પીપળા જેવા વૃક્ષો જાહેરમાં કપાઈ રહ્યા છે. અને રાત્રિના સમયે ટ્રેકટરોમાં હેરાફેરી કરવામાં આવી રહી છે. ત્યારે બાલાસિનોર આરએફઓ દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા સવાલો ઉભા થયા છે.