બાલાસિનોર,બાલાસિનોર મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીમાં એજન્ટ સિવાય કામ નહિ થતાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. પોતાનુ કામ કરાવવા માટે સામાન્ય અરજદારો એજન્ટોનો સંપર્ક કરેલ તો જ કામ થતુ હોવાની બુમો ઉઠી છે. આ બાબતે ઉચ્ચકક્ષાએથી તપાસ હાથ ધરાય તેવી માંગ ઉઠવા પામી છે.
બાલાસિનોર મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીમાં એજન્ટ રાજ તંત્રની રહેમ નજર હેઠળ ફુલ્યુ ફાલ્યુ છે. બાલાસિનોર તાલુકાના વિવિધ ગામડાઓમાંથી સરકારી કામ જેવા કે, જમીનમાં વારસાઈ કરાવવી, દસ્તાવેજ કરાવવો, હયાતી હક દાખલ કરવુ, હક કમી કરવુ, નોંધ પ્રમાણિત કરવી, અપીલ કેસ કરવા, ખેડુત ખરાઈનો દાખલો મેળવવો જેવા વિવિધ સરકારી કામ માટે મામલતદાર કચેરીએ આવતા પહેલા એજન્ટો અરજદારોને તેઓની વાતોમાં ભોળવી અરજદારો પાસેથી સરકારી કામોના હજારો રૂપિયા પડાવી લેતા હોવાની ફરિયાદો ઉઠી છે. અનેક વખત બાલાસિનોરના મામલતદાર અને પ્રાંત અધિકારીના ઘ્યાને અનેક વખતે ફરિયાદો આવી છે છતાં કોઈ ઘ્યાને લેતુ નથી. સમગ્ર બાબતે બાલાસિનોર પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીની ઉચ્ચકક્ષાએથી તપાસ હાથ ધરાય તો અને મલાઈ ખાતા એજન્ટો અને ટેબલ નીચેથી મીઠાઈ લેતા અધિકારીઓ રંગે હાથે ઝડપાય તેમ છે.