બાલાસિનોરના મુખ્ય માર્ગ પર ખાડારાજ: બાલાસિનોર ચિલિંગ સેન્ટરથી R & B ઓફિસ સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં.

  • આર,એન્ડ,બી વિભાગ ની ઓફિસ સામે મસમોટા ભુવા પડતા રસ્તાની હાલત કફોડી બની.
  • મેઘરાજાએ રોદ્રરૂપ ધારણ કરતા આર એન્ડ બી વિભાગની ખોખલી કામગિરિની પોલ ખુલી.

બાલાસિનોર ના મુખ્ય માર્ગ ઉપર વરસાદના કારણે પડેલા મસમોટા ભુવાની ભવાઈથી તળાવ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ત્યારે વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ મગનું નામ મરી પાડવા તૈયાર નથી કે પછી આંખ આડા કાન કરતુ હોય તેવું જણાય રહ્યું છે. નગરજનોએ બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિકોમાં રસ્તાની દયનિય સ્થિતિ જોતા ભારે તર્કવિતર્ક ઉભા થયાં છે. વરસાદી પાણી ઓશર્યા છતાં પણ આર એન્ડ બી વિભાગનું કામ ગોકળગતિએ ચાલતું હોવાનું ચર્ચાય છે.

મુખ્ય નગરમાં જવાના રસ્તા પર નગરપાલિકા બસ સ્ટેન્ડ, બેન્ક, હોસ્પિટલ, એમજીવીસીએલ, ટાઉન પોલીસ સ્ટેશન, મામલતદાર કચેર, પ્રાંત કચેરી, સર્કિટ હાઉસ, તાલુકા પંચાયત સહિતની કચેરીઓ આવેલી હોવાથી રાત-દિવસ રસ્તો રાહદારીઓથી ધમધમતો હોય છે. ત્યારે આ ખખડધજ રસ્તા પરના મસમોટા ખાડામાં કોઈ બાઈક ચાલક કે રાહદારી ખાબકે તો મોટી જાનહાનિ ભોગવવાનો વારો આવે તેમ છે. આ જીવલેણ ખાડાઓની મરામત્ત થશે કે પછી કોઈ મોટો અકસ્માત થાય તેની રાહ જોવાય છે તે પણ એક મોટો સવાલ છે. સ્થાનિકોએ રસ્તાની કફોડી હાલત જોતા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો અને વહેલી તકે ઉબડખાબડ રસ્તામાં પડેલા ખાડાઓનું સમારકામ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉંઠી હતી.