બાલાસિનોરમાં ખરાબ ફળો ગ્રાહકોને મોંધા ભાવે પધરાવતા વેપારીઓ સામે કાર્યવાહીની માંગ

બાલાસિનોર,બાલાસિનોર નગર વિસ્તારમાં ઠેર ઠેર રોડ પર દબાણ કરીને ફળફળાદી વેચવા માટે વેપારીઓ જોવા મળી રહ્યા છે ત્યારે મોટાભાગના ફળફળાદી ખરાબ અને બગડી ગયેલા હોવા છતાં ગ્રાહકોને વેચાણ કરી રહ્યા હોવાથી તેના કારણે લોકોના આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ સજાઈ રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

નગર વિસ્તારમાં આવેલા અમદાવાદની ઢાળ નીચે, કે એમ.જી.હોસ્પિટલ પાસે તેમજ સાલિયાવડી દરવાજા નજીક કેટલાક ફ્રુટના દુકાનદારો રોડ પર દબાણ કરી નગર અને તાલુકાની પ્રજાને ખરાબ થઈ ગયેલા અને સડવાની તૈયારીમાં હોય તેવા સસ્તા ભાવે ફળ લાવી જાહેર જનતાને મોંઘા ભાવે વેચી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આ અંગે કોઈ ગ્રાહક ફરિયાદ કરે તો તેને ગમે તેમ બોલીને ધમકાવતા હોવાનુ પણ ગ્રાહકો કહી રહ્યા છે. ત્યારે આવા ખરાબ અને સડો થવાની તૈયારીમાં હોય તેવા ફળનો જ્યુસ કાઢીને પણ દર્દીઓના સ્વજનોને આપવામાં આવતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જયારે આ બાબતે ગ્રાહકોના જણાવ્યા મુજબ બાલાસિનોરમાં ફળફળાદી વેચતા વેપારીઓ મોટાભાગે હિન્દી ભાષી છે. તે સ્થાનિક ભાષા સમજયા હોવા છતાં ના સમજયા હોવાનુ નાટક કરી ગ્રાહકોને છેતરી રહ્યા છે. આ બાબતે ફરિયાદો કરવા છતાં કોઈ પગલા લેવાતા નથી. ત્યારે પાલિકાના સત્તાધિશો અને ફ્રુડ વિભાગ દ્વારા આવા ખરાબ ફળ વેચતા વેપારીઓના સ્ટોલની તપાસ કરી આ પ્રકારનો વેપલો વહેલી તકે બંધ કરાવે તેવી નગરજનોની માંગ ઉઠવા પામી છે.