બાલાસિનોરમાં જાહેર માર્ગો પર કચરો અને ગંદકી કરનાર સામે કાર્યવાહી કરાશે

બાલાસિનોરમાં જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવનારાઓ વિરુદ્ધ નગરપાલિકાએ દંડનીય કાર્યવાહી શરૂ કરી છે. બે દિવસ પહેલા નગરપાલિકા 10 જેટલા દુકાન માલિકોને દંડ ફટકાર્યો હતો. નગરપાલિકાની આ કાર્યવાહીથી જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા લોકોમાં ડર ઉભો થયો છે.

બાલાસિનોર નગરપાલિકા દ્વારા તા.20/06/24ના રોજ બાલાસિનોર નગરના રાજપુરી દરવાજાથી બસ સ્ટેશન રોડ પર જાહેર રસ્તા પર કચરો ફેંકવા બદલ દંડનીય કાર્યવાહી કરી હતી. જેમાં રજવાડી ટી સ્ટોલ, સાહિલ જનરલ સ્ટોર, અલ્તાફ પાન કોર્નર, કનૈયા નાસ્તા હાઉસ, ભોલેનાથ ફાલુદા વગેરેને દંડ ફટકાર્યો હતો. વેપારીઓ દ્વારા જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવાતી હતી. તેના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. બાલાસિનોર નગરપાલિકાની ટીમ દ્વારા નગરમાં તપાસ કરતા જાહેરમાં કચરો નાંખવામાં આવી રહ્યો હોવાનુ જણાઈ આવ્યુ હતુ. આ મામલે કચરો નાંખી ગંદકી કરનાર સામે કાર્યવાહી કરાઈ હતી. આગામી દિવસોમાં પણ આ જ રીતે નગરપાલિકાની વિવિધ ટીમો દ્વારા તપાસ કરવામાં આવશે અને ગંદકી ફેલાવનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરાશે.