બાલાસિનોરમાં આધારકાર્ડ કેન્દ્ર બંધ રહેતા હાલાકી

બાલાસિનોર,ગુજરાત સરકાર દ્વારા દરેક તાલુકાની પોસ્ટ ઓફિસમાં આધાર કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યા હતા. ત્યારે 6 થી 7 મહિનાથી બાલાસિનોર પોસ્ટ ઓફિસમાં આધાર કેન્દ્ર બંધ હોવાથી સામાન્ય પ્રજા વધારાના રૂપિયા ખર્ચવા મજબુર બની છે. પોસ્ટઓફિસમાં નવુ આધારકાર્ડ કઢાવવા કે સુધારા-વધારા કરાવવા માટે 50 રૂપિયા જેટલો ચાર્જ લેવામાં આવતો હોય છે. જયારે બહાર 80 થી 100 રૂપિયા ચાર્જ વસુલતા હોય છે. જેના કારણે અરજદારોને 20 થી 30 રૂપિયા વધારાના ખર્ચવાનો વારો આવે છે. વધુમાં લોકોએ જણાવ્યુ હતુ કે, પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડનુ કામ કરાવવા જઈએ છીએ ત્યારે અહિં કામ બંધ છે તેવા જવાબો આપવામાં આવે છે. જેથી વહેલી તકે બાલાસિનોર પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડની કામગીરી શરૂ નહિ થાય તો સામાન્ય પ્રજાને વધારે તકલીફ વેઠવાનો વારો આવી શકે તેમ છે.