બાલાસિનોર ક્ષત્રિયો દ્વારા શૌર્ય ધામ ફાગવેલ ખાતે અખાત્રીજના દિવસે ભૂમિ વધામણા કરવામાં આવ્યા

  • અખાત્રીજના પવિત્ર દિવસે શૌર્યધામ નિર્માણ અર્થે ફાગવેલ મુકામે સંપાદન કરેલી ભૂમિના હર્ષભર્યા વધામણા.

બાલાસીનોર,શૂરવીર ભાથીજી સેવા ટ્રસ્ટ ફાગવેલ દ્વારા ‘ શૌર્યધામ’ના ભવ્ય નિર્માણ માટે ફાગવેલ ખાતે સાડા છ વીઘા જમીન સંપાદન થતાં શૌર્યધામ પરિવારના યુવકો, સભ્યઓ, આગેવાનો, વડીલો,વિવિધ સંગઠનના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓએ સવાસો દીવડા પ્રગટાવી આજના શુભ દિવસે શૌર્યભૂમિની વંદના કરીને ધન્યતા અનુભવી.

આગામી દિવસોમાં સૌની આસ્થાના ધામ ફાગવેલમાં ભવ્ય શૌર્યધામ નિર્માણ પામે અને એ થકી વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ વડે ‘સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ’ના મંત્રને સાર્થક કરવાની ભગવાન અને વીર ભાથીજી મહારાજ આશીર્વાદ અને શક્તિ આપે એવી સૌએ પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે અમદાવાદ, બનાસકાંઠા, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી અને અન્ય જિલ્લાના યુવા અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત ટ્રસ્ટીઓ, વડીલો અને યુવા આગેવાનોએ સૌ પ્રથમ નિર્માણમાં પોતાની વિવિધ શક્તિઓને કામે લગાડવા કટિબદ્ધતા દર્શાવી હતી. આદર્શ, શિક્ષિત, સંસ્કારી અને પુરૂષાર્થી સમાજ બને એ આજના સમયની માંગ છે. એ દિશા તરફ આગળ વધવા ફાગવેલનુંં શૌર્યધામ કેન્દ્રબિંદુ બને એવો સૌએ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.