બાલાસિનોરમાં હડકાયા કુતરાઓનો આતંક : 20 લોકોને કુતરાઓએ ભોગ બનાવ્યા

બાલાસિનોર,રાજયમાં રખડતા પશુઓની સાથે સાથે રખડતા કુતરાઓના કહેરથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગમે ત્યારે આક્રંદ કરીને જગાડી દેતા શ્ર્વાનો પગપાળા જતા લોકોને રીતસર દોડાવી રહ્યા છે. અથવા વ્હાલ કરી લેતા હોઈ લોકોમાં ભય ફેલાયો છે. ત્યારે પાલિકા શ્ર્વાનને પકડીને દુર છોડી મુકવાની કામગીરી આરંભે તેવી લોકોની લાગણી અને માંગણી છે. ત્યારે બાલાસિનોર શહેર અને પંથકમાં દિવસે ને દિવસે રખડતા શ્ર્વાનના કરડવાની સમસ્યા વધી રહી છે ત્યારે નગરના હોળી ચકલા વિસ્તારમાં થોડાક દિવસો પહેલા એક હડકાયા કુતરાએ 7 થી 10 લોકોને બચકા ભર્યા હતા. અને હવે બાલાસિનોરના બસ સ્ટેન્ડ નજીક આવેલ રોહિતવાસમાં એક શ્ર્વાન હડકાયુ થતાં 3 દિવસમાં 20થી વધુ લોકોને કરડી ધાયલ કર્યા હતા. ત્યારે સ્થાનિક રહિશોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અને પગપાળા જતા લોકો પણ હડકાયા કુતરાને જોઈને નાસભાગ કરી મુકે છે. સ્થાનિક રહિશ પ્રફુલભાઈ ગોહિલે જણાવ્યુ હતુ કે, રોહિતવાસ તેમજ પ્રણામી મંદિર વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસમાં 20થી વધુ લોકોને હડકાયુ કુતરૂ કરડવાથી ધાયલ થયા છે. સરકારી દવાખાને જઈને ઈલાજ કરી રસી મુકાવી છે. આ વિસ્તારમાં શ્ર્વાનને જોતા જ લોકો નાસભાગ કરે છે.