બાલાસિનોર, બાલાસિનોરમાં આવેલી સિટી સર્વેની કચેરી મોટાભાગે બંધ રહેતા નગરજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે આ સિટી સર્વેની કચેરીમાં કામ કરતા અધિકારીઓને અન્ય કચેરીઓનો ચાર્જ હોવાથી ઓફિસ સમયસર ખોલવામાં ન આવતા છેલ્લા એક વર્ષ ઉપરાંતના કામો ટલ્લે ચઢ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલી સિટી સર્વેની કચેરીમાં બાલાસિનોર નગર વિસ્તારમાં રહેવાસ કરતા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેવાસ કરતાઓને આ સિટી સર્વેની કચેરીમાં અવાર નવાર કામ હેતુ આવવાનુ હોય છે. ત્યારે આ કચેરીમાં ખોલવાનો સમય નકકી ન હોવાના કારણે અરજદારોમાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષથી કામો માટે અરજદારો ધકકા ખાઈ રહ્યા છે. ત્યારે અધિકારીઓ ચાર્જમાં હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે. જયારે બાલાસિનોરની સિટી સર્વેની કચેરીમાં કાયમી અધિકારીની નિમણુંક કરવામાં આવે તેવી નગરજનોની માંગ ઉઠવા પામી છે.