બાલાસિનોર બાયપાસ પાસે આર.ટી.ઓ તપાસના નામે ઉઘરાણુ

બાલાસિનોર, બાલાસિનોર બાયપાસ પાસે મહિસાગર જિલ્લા આરટીઓ કચેરીના માણસો દ્વારા તપાસના નામે હપ્તાઓ લેતા હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. હપ્તા આપતી ગાડીઓ જવા દેવામાં આવે છે અને સામાન્ય કાર ચાલકોને નિયમ બતાવી દંડ વસુલવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.

બાલાસિનોર બાયપાસ પરથી પસાર થતો અમદાવાદ-ઈન્દોર હાઈવે મહિસાગર આરટીઓ વિભાગ દ્વારા આ માર્ગ પર આરટીઓ કચેરીની ગાડી સાથે બે થી ચાર કર્મચારીઓ ઉભા રહે છે. જેમાં પાસવર્ડ એટલે કે હપ્તાવાડી ગાડીના ડ્રાઈવર પાસવર્ડ બોલે એટલે જવા દેવામાં આવે છે. જે ગાડીમાં ઓવરલોડ વજન હોય કે પછી નિયમ વિરુદ્ધ હોય પરંતુ પાસવર્ડ વાળી ગાડીને રોકટોક વગર જવા દેવામાં આવે છે. સામાન્ય કાર ચાલકોને રોકી દંડનીય કાર્યવાહી કરી પોતાનુ કામનુ ભારણ બતાવવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. આ બાબતે ઉચ્ચકક્ષાએથી તપાસ હાથ ધરાય તેવી વાહનચાલકોની માંગણી છે.