બાલાસિનોર,
બાલાસિનોરની એક યુવતિ એસબીઆઈ બેંકમાં પૈસા ઉપાડવા ગઈ હતી, પૈસા ઉપાડી તે પાસબુકમાં એન્ટ્રી કરાવવા ઉભી હતી તે દરમિયાન તેની પાસેની થેલીમાં મુકેલા 40 હજાર રૂપિયા કોઈ સેરવી લઈ ગયુ હતુ બાદમાં સીસીટીવી કેમેરામાં તપાસ કરતા કોઈ બે મહિલાઓ પૈસા ચોરતી જોવા મળી આવી હતી. પોલીસે અજાણી બે મહિલાઓને પકડવા તપાસ હાથ ધરી હતી.
બાલાસિનોરમાં સાલેહાબાનુ વસીમભાઈ શેખ નામની યુવતિ 40 હજાર રૂપિયા ઉપાડવા એસબીઆઈ બેંકમાં ગઈ હતી. પૈસા ઉપાડ્યા બાદ પાસબુકની એન્ટ્રીની લાઈનમાં ઉભી હતી અને પોતાનો નંબર આવતા તેને પોતાની થેલીમાં પાસબુક મળી આવી હતી પરંતુ થેલીમાં રાખેલા રૂ.40 હજાર મળ્યા નહોતા. થેલીમાંથી પૈસાની ચોરી થવાનુ માલુમ પડતા તેઓએ આસપાસ તપાસ કરી હતી પરંતુ રૂપિયા ન મળતા તેમણે પોતાના પતિ અને પિતાને જાણ કરતા મામલો બાલાસિનોર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જેમાં પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. એ.ટીએમ.માં રાખેલા સીસીટીવીની પણ ચકાસણી કરી હતી. જેમાં આ યુવતિ થેલીમાંથી બે મહિલાઓ પૈસા કાઢતી નજરે પડતા બે મહિલાઓને પકડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.