બાલાસિનોર ફાર્માસિસ્ટ વિના મેડિકલ ચલાવતા ત્રણ દુકાનદારોને ડ્રગ્સ વિભાગે નોટિસ આપી દંડ વસુલ્યો

બાલાસિનોર, બાલાસિનોર તાલુકામાં પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતી દવાની દુકાનોના ધારકોના લાયસન્સ સહિતના ચેકિંગ માટે ગોધરા ડ્રગ્સ વિભાગ તરફથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં ફાર્માસિસ્ટ વિના મેડિકલ સ્ટોર ચલાવતા ત્રણ વેપારી ઝડપાઈ જતાં તેમને નોટિસ ફટકારાઈ હતી.

બાલાસિનોર તાલુકા તેમજ નગરમાં કેટલાક મેડિકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટ વિના ચલાવવામાં આવી રહ્યા હોવાની બાતમીના આધારે ગોધરા ડ્રગ્સ વિભાગ દ્વારા નગરની દવાની દુકાનો પર ઓચિંતુ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં નગરમાં ફાર્માસિસ્ટ વગર ચાલતા ત્રણ મેડિકલ સ્ટોરના સંચાલકોને ડ્રગ્સ વિભાગ તરફથી નોટિસ ફટકારી દંડ વસુલ કરાયો હતો. તંત્ર દ્વારા માત્ર દંડની જોગવાઈ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા શખ્સો સામે ફોજદારી રાહે કેસ દાખલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.