બાલાસિનોર મઘ્યાહન ભોજનની યોજનામાં ભ્રષ્ટાચારના આરોપ બાદ સંચાલકનો પુન: ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ

બાલાસિનોર તાલુકામાં 10 મહિના અગાઉ મઘ્યાહન ભોજનના સંચાલકની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જે ભરતીમાં ભારે ગેરરિતી થઈ હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. જે બાબતે ગુથલી ગામના કેન્દ્રના સંચાલકે હાઈકોર્ટમાં રીટ કરતા સંચાલક, રસોઈયા અને મદદનીશની ભરતી પ્રક્રિયા પુન: હાથ ધરાઈ હતી.

બાલાસિનોર તાલુકામાં મઘ્યાહન ભોજનના કેન્દ્ર સંચાલકની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં બાલાસિનોર તાલુકાના વણાંકબોરી, દોલતપોરડા, ઈન્દિરા આવાસ અને પસાયતના સંચાલકની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં વણાંકબોરી-16, દોલતપોરડા-9, ઈન્દિરા આવાસ-12, પસાયતા માટે 11 અરજીઓ આવી હતી. જયારે 15 કુક કમ હેલ્પર અને 4 હેલ્પરની ભરતી માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ચાલુ સાલે ભરતી પ્રક્રિયામાં ઈન્ટરવ્યુ પ્રક્રિયા પુર્ણ થઈ છે. ત્યારે ભરતી પ્રક્રિયામાં 2 અરજદારો ગેરહાજર રહ્યા હતા. જયારે હવે નિમણુંક આપવાની બાકી હોવાથી અરજદારો દ્વારા લાગવગ અને ભ્રષ્ટાચાર કર્યા વિના ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને મેરીટ અને ગુણવત્તાસર આવતા અરજદારોની નિમણુંક કરવા માંગ કરાઈ છે. બાલાસિનોર તાલુકામાં 10 મહિના અગાઉ 4 જગ્યા પર સંચાલકની ભરતી પ્રક્રિયા કરાઈ હતી. જેમાં મેરીટ અને શૈક્ષણિક અનુભવને સાઈડમાં મુકીને નાણાં લઈને નિમણુંક કરાઈ હોવાના આક્ષેપો સાથે ઉહાપોહ થયો હતો. જે બાબતે નિમણુંક બાદ પણ દોલતપોરડા, ગુથલી સહિતના કેન્દ્રના સંચાલકોની ભરતી રદ્દ કરવામાં આવી હતી.