બાલાસિનોર તાલુકાના જનોડ પે સેન્ટર વિસ્તારમાં આવેલા વિરાજીના મુવાડા પ્રા.શાળામાં જર્જરિત ઓરડામાં બાળકોને બેસાડતા વાલીઓ રોષે ભરાયા હતા. જેમાં વાલીઓ દ્વારા શાળાને તાળાબંધી કરી દેખાવો કર્યો હતો.
બાલાસિનોર તાલુકાના જનોડ પે સેન્ટરમાં આવેલા વિરાજીના મુવાડા પ્રા.શાળા ધો-1 થી 5ના 38 વિધાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં બાળકોને અભ્યાસ કરાવવા માટે બે શિક્ષકો છે જયારે આ શાળામાં કુલ ત્રણ ઓરડાઓ પૈકી એક ઓરડો બંધ છે. બે ઓરડાની દિવાલોમાં તિરાડો અને નડીયા તુટેલા હોવાથી ઓરડામાં વરસાદી પાણી પડવાથી બાળકો જીવના જોખમે ભણી રહ્યા છે. જેથી બાળકો વર્ગખંડમાં બેઠા હતા તે સમયે પાણી પડતા વાલીઓ શાળાને પહોંચ્યા હતા.
અને આચાર્ય સામે રોષ વ્યકત કરી બાળકોને શાળા બહાર લઈ જઈ શાળાને તાળાબંધી કરી વિરોધના ભાગરૂપે બાળકોને અનેક સુત્રો સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જયારે આચાર્ય દ્વારા બહાર લોબીમાં બેસાડી અભ્યાસ કરાવવાની સંમતિ દર્શાવવા અને વાલીઓને સમજાવતા મામલો થાળે પડ્યો હતો. શાળાના આચાર્ય વિનોદ પટેલે જણાવ્યુ હતુ કે,જર્જરિત ઓરડાઓ માટે બે વાર દરખાસ્ત કરી દીધી છે પરંતુ દરખાસ્ત મંજુર થઈ નથી.તેથી બાળકોને આ ઓરડાઓમાં બેસાડીએ છીએ.તાલુકા પ્રા.શિક્ષણાધિકારી જે.એ.પાંડોરે જણાવ્યુ હતુ કે, ઓરડાની દરખાસ્ત કરી દીધી છે જે ટેન્ડરીંગમાં છે જયારે આ નવા આચાર્ય હોવાથી તેમને ઘ્યાન નહિ હોય.