બાલાસિનોર નગરના અલગ અલગ વોર્ડમાં જર્જરિત મકાનો, બિલ્ડિંગો ઘણા મહિનાઓથી જોખમી હાલતમાં છે. આવા ભયજનક મકાનો અને બિલ્ડિંગની આસપાસ રહેતા લોકો અકસ્માતનો ભય સેવી રહ્યા છે. રાજ્યમાં ચોમાસા પૂર્વે જર્જરિત મકાનોનો સરવે કરી તેને ઉતારી લેવાની નોટિસ આપવા સહિતની કામગીરી કરાતી હોય છે. ત્યારે બાલાસિનોર નગરપાલિકા દ્વારા થોડાક દિવસો પહેલા તાલુકા મથક ગણાતા બાલાસિનોર નગરમાં આવેલ ફક્ત 6 જર્જરિત મકાનો ઉપર નોટિસ લગાવી સર્વેની કામગીરી પૂરી કરી હતી. જે નોટીસમાં જાવક નંબર, વર્ષ સહિત દરેક નોટીસમાં એક જ સરનામું લખી છબરડો કરેલ છે. પાલિકાએ જર્જરિત મકાનોનું વર્ષ 2024માં સર્વે કર્યું અને નોટીસમાં વર્ષ 2006 લખવામાં આવ્યું તેમજ દરેક નોટીસમાં એક જ સરનામું લખતા જર્જરિત મકાન માલિકો અસમંજસમાં મુકાયા હતા. તેમજ નોટીસમાં જણાવ્યા મુજબ 7 દિનમાં મકાન જર્જરિત મકાન ઉતારવામાં ન આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જણાવ્યું હતું. ત્યારે આટલા દિવસો થઈ ગયા હોવા છતાં જર્જરિત મકાનો ન ઉતારાતા પાલિકા કોઈ મકાન પડે તેની રાહ જોઈ રહી હોવાનું સામે આવ્યું છે. ત્યારે નગરપાલિકાએ જર્જરિત મકાનો ઉપર લગાવવામાં આવેલ નોટીસમાં વેઠ ઉતારી હોવાનું સામે આવ્યું છે.
ગત વર્ષે પાલિકાએ જોખમી મકાનના ફક્ત 1 જ વપરાશકર્તાને નોટિસ પાઠવી હતી અને આ વર્ષે ફક્ત 6 મકાનોને નોટીસ પાઠવી. ગત વર્ષ 2024ના ચોમાસા પૂર્વે સર્વે કરી પટેલવાડા વિસ્તારમાં જર્જરિત અને જોખમી મકાન ના વપરાશકર્તાને નોટિસ પાઠવી હતી. આ વર્ષે પંદર દિવસ પહેલા સર્વે કરવામાં આવ્યો. પરંતુ તાલુકા મથક બાલાસિનોર નગરમાં પાલિકાને ફક્ત 6 જ મકાન જર્જરિત દેખાયા.
લ્યો બોલો… આ વર્ષે પાલિકાએ જર્જરિત મકાનો ઉપર લગાવેલ નોટીસમાં પણ છબરડો બાલાસિનોર નગરનાઅનેક વિસ્તારોમાં જર્જરિત મકાનો આવેલા છે, પરંતુ પાલિકા દ્વારા કરવામાં આવેલ સર્વેમાં 6 જ મકાન જર્જરિત દેખાયા હતા. અને તે 6 મકાન ઉપર લગાવેલ નોટિસ માં પણ જાવક નંબર, વર્ષ સહિત સરનામું લખવામાં છબરડો કરતા જર્જરિત મકાન માલિકો અસમંજસમાં મુકાયા હતા.