બાલાસિનોર તાલુકાના જોરાપુરા નજીક બનેલા શોપિંગ સેન્ટરો બાબતે તપાસને લાગ્યું ગરમીનું ગ્રહણ

બાલાસીનોર,બાલાસિનોર થી દેવ ચોકડી સુધી કેટલાક શોપિંગ સેન્ટરો ગેરકાયદેસર બન્યા હોવાની કેટલાય સમયથી ફરીયાદો ઉઠી છે. કોમ્પલેક્ષની દુકાનોમાં લે-આઉટના નકશા વગર નોંધ મંજૂર કરવામાં આવતી નથી. પરંતુ જોરાપુરા પાસે બનાવેલ બે શોપિંગ સેન્ટરમાં બનાવવામાં આવેલ અમુક દુકાનોની લે-આઉટના નકશા મૂક્યા વગર બાલાસિનોર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા એક નાયબ મામલતદાર દ્વારા નોંધ પાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેથી નાયબ મામલતદારની કામગીરી ઉપર સવાલ ઉઠ્યા છે..

બાલાસિનોર થી દેવ ચોકડી સુધી અનેક લોકોએ તંત્રના છુપા આશીર્વાદથી ખેતીલાયક જમીનમાં દુકાનોનું બાંધકામ કર્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. લુણાવાડા થી બાલાસિનોરને જોડતા મુખ્ય માર્ગ પર અનેક અંતર છોડીને કોમર્શિયલ બાંધકામ કરવાનું હોય છે, પરંતુ લોભી બિલ્ડરોને રોડને અડીને બાંધકામ કરવામાં આવ્યું હોવાથી અકસ્માત થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. બીજી બાજુ બાલાસિનોર તાલુકાના જોરાપુરા નજીક બનાવવામાં આવેલ બે શોપિંગ સેન્ટરમાં બનાવેલ અમુક દુકાનોમાં લે-આઉટના નકશા મૂક્યા વગર નાયબ મામલતદાર દ્વારા નોંધ મંજૂર કરવામાં આવી હોવાથી બાલાસિનોર મામલતદાર કચેરીના એક નાયબ મામલતદારની કામગીરી ઉપર સવાલ ઉઠ્યા છે ! ત્યારે આ બાબતે યોગ્ય તપાસ કરી જવાબદાર અધિકારી વિરૂદ્ધ શિક્ષાત્મક પગલાં ભરાય તેવી લોકમાંગ ઉઠી છે.