બેંગલુરૂ,
સગીર વયના બાળકની કસ્ટડી પર માતા જેટલો જ હક પિતાનો પણ હોવાનું જણાવતા કર્ણાટક હાઈકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું હતું કે માતાની જેમ પિતા પણ સગીર બાળકનો કુદરતી વાલી છે. ગત ૩ માર્ચ, ૨૦૨૨ના રોજ બેંગલુરૂની એક ફેમિલી કોર્ટે વ્યવસાયે તબીબ એવા દંપત્તિની ૭ વર્ષની બાળકીનો કબજો તેના પિતાને સોંપવાની મંજૂરી આપતો ચુકાદો આપ્યો હતો, જેને બાળકીની માતાએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
મહિલાની અરજીને ફગાવતા કર્ણાટક હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે, જો બાળકની ઉંમર પાંચ વર્ષ કે તેથી વધુ હોય તો જ્યાં સુધી બાળકના કલ્યાણ અને વિકાસના હિતમાં કોર્ટ વિપરીત અભિપ્રાય ધરાવતી ન હોય ત્યાં સુધી પિતાના અધિકારને નકારી શકાય નહીં.
બાળકની કસ્ટડી તેના હાલના કસ્ટોડિયન સાથે એટલે કે માતા સાથે ચાલુ રાખવાનું જણાવતાં કોર્ટે અરજદાર માતાને, બાળકીની વાર્ષિક પરીક્ષા પત્યા પછી તરત જ તેને પોતાના પિતાને સોંપવાનો નિર્દેશ કર્યો હતો. ખંડપીઠે એ બાબત વિશે પણ ધ્યાન દોર્યું હતું કે અરજદાર માતાએ બાળકને તેના માતાપિતા પાસે હરિયાણાના પંચકુલામાં રાખ્યું હતું, જ્યારે તે પોતે પતિનું ઘર છોડ્યા પછી બેંગલુરુમાં અન્ય એક વ્યક્તિ સાથે કથિત સંબંધો ધરાવતી હતી. આ ઉપરાંત અરજદાર મહિલાના માતા-પિતાએ પણ સુપ્રીમ કોર્ટમાં બાળકની સંભાળ લેવાની અનિચ્છા વ્યક્ત કરી હતી, જેને પગલે તેને બેંગાલુરૂની શાળામાં પ્રવેશ અપાવાયો હતો. આમ આ તથ્યોને ધ્યાનમાં લેતાં અદાલતનું માનવું છે કે અરજદારને બાળકીના હિતો અને કલ્યાણની ખાસ ચિંતા કે દરકાર નથી. તે માત્ર વેરભાવનાની વૃત્તિને કારણે જ પ્રતિવાદી (પતિ) પાસેથી બાળકી છીનવી લેવા માગે છે.
ખંડપીઠે આશા વ્યક્ત કરી હતી કે દંપતી નિષ્ણાત તબીબો હોવાની સાથે સાથે જ સમાજના જવાબદાર સભ્યો છે. તેમણે તેઓને તેમની ભૂલનો અહેસાસ થશે અને ઓછામાં ઓછું બાળકના કલ્યાણ માટે એક સાથે આવશે, જે ટૂંકા ગાળામાં પરિપક્વતાની ઉંમર પ્રાપ્ત કરશે અને તેમને તેની સાથે રાખવાની જરૂર પડશે. ખંડપીઠે આશા વ્યક્ત કરી હતી કે, આ દંપતી નિષ્ણાત તબીબો હોવાની સાથે સાથે જ સમાજના જવાબદાર સભ્યો છે. તેમનું બાળક થોડાં સમયમાં મોટું થઈ પરિપક્વતાની ઉંમર પ્રાપ્ત કરશે. બંને જણાએ તેમની ભૂલનો સ્વીકાર કરી કમસે કમ બાળકના ભવિષ્ય માટે એક થવાની જરૂર હોવાનું અદાલતે જણાવ્યું હતું.