બાળ તસ્કરી મુદ્દે યુપી, બિહાર, આંધ્રપ્રદેશની હાલત કફોડી : અભ્યાસ

નવીદિલ્હી, ૨૦૧૬ની ૩૦, જુલાઈથી ૨૦૨૨ સુધીમાં દેશમાં બાળતસ્કરીની સૌથી વધુ ઘટનાઓ ઉત્તરપ્રદેશ, બિહાર અને આંધ્રપ્રદેશમાં બની છે, જ્યારે દિલ્હીમાં કોવિડ-૧૯ની પહેલાંની સરખામણીએ મહામારી બાદના સમયમાં બાળતસ્કરીના કેસમાં ૬૮ ટકાનો વધારો નોંધાયો છે.એક બિનસરકારી સંગઠનના સંશોધન અભ્યાસમાં આ માહિતી જાણવા મળી છે. ચાઇલ્ડ ટ્રાફિકિંગ ઇન ઇન્ડિયા : ઇનસાઇટ ફ્રોમ સિચ્યુએશન ડેટા એનાલિસિસ એન્ડ નીડ ફોર ટેક-ડ્રિવન ઇન્ટરવેન્શન સ્ટ્રેટેજી નામક વ્યાપક રિપોર્ટમાં આ આંકડાનો ખુલાસો થયો છે. વિશ્ર્વ માનવતસ્કરી વિરોધી દિવસે આ રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જે દેશમાં બાળતસ્કરીની ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે.

૨૦૧૬થી ૨૦૨૨ દરમિયાનનાં વર્ષોનો બાળતસ્કરીનો આ અભ્યાસ દેશનાં ૨૧ રાજ્યોના ૨૬૨ જિલ્લામાં કરવામાં આવ્યો હતો. જેમાં બાળતસ્કરીની બાબતમાં સૌથી ઉપરના ક્રમે જયપુર શહેરનું નામ છે, જ્યારે સૂચિમાં અન્ય ટોચના સ્થાને દેશના પાટનગર દિલ્હીના ચાર વિસ્તારોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં કર્ણાટકનું નામ પણ છે. કર્ણાટકમાં બાળતસ્કરીમાં ૧૮ ગણી વૃદ્ધિ થઈ હોવાનું જણાવીને આંકડા રજૂ કરાયા છે કે, નોંધાયેલા કેસની સંખ્યા છથી વધીને ૧૧૦ થઈ ગઈ છે.

રિપોર્ટ અનુસાર, કોવિડ-૧૯ પહેલાં (૨૦૧૬થી ૨૦૧૯) બાળતસ્કરીની કુલ ૨૬૭ ઘટનાઓ નોંધાઈ હતી, પરંતુ, મહામારી પછીના સમયગાળામાં (૨૦૨૧-૨૦૨૨)માં તેમાં ભારે વધારો જોવા મળ્યો છે. ૨૦૨૧ અને ૨૦૨૨માં દેશમાં બાળતસ્કરીના કુલ ૧,૨૧૪ કેસ નોંધાયા હતા. આ ચિંતાજનક આંકડા છતાં રિપોર્ટમાં છેલ્લા એક દાયકામાં સરકાર અને પ્રમોટિંગ એજન્સીઓ દ્વારા લેવાયેલાં સકારાત્મક પગલાંનો ઉલ્લેખ પણ કરાયો છે. જોકે, રિપોર્ટમાં બાળતસ્કરીનો અસરકારક રીતે સામનો કરવા માટે એક વ્યાપક તસ્કરી વિરોધી કાયદો ઘડવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.

અભ્યાસમાં જણાવાયું છે કે, આ સમયગાળા દરમિયાન ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાં ઓછામાં ઓછાં ૧૩,૫૪૯ બાળકોને બચાવી લેવાયાં છે. બચાવાયેલાં ૮૦ ટકા બાળકો ૧૩થી ૧૮ વર્ષની ઉંમરનાં હતાં, જ્યારે ૧૩ ટકા નવથી બાર વર્ષની વયનાં અને બે ટકા નવ વર્ષ કરતાં નાનાં હતાં. રિપોર્ટ દર્શાવે છે કે, બાળતસ્કરીમાં જુદી-જુદી ઉંમરનાં બાળકોનો સમાવેશ થાય છે, જેના કારણે આ એક વ્યાપક મુદ્દો બની ગયો છે.