પાવાગઢ, યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન મહાકાળીના મંદિરે ચૈત્રી નવરાત્રિના આઠમા નોરતે હવન કરવાની પરંપરા વડોદરા નજીક આવેલા ભાયલી કોયલી મહાકાળી મંદિર સાથે જોડાયેલી છે. અહીં આવેલા બાળ કાલીકા મંદિર માંથી હવન પડીકું અને શ્રીફળ લઈ આવતો રથ આવ્યા પછી જ પાવાગઢ વાળી મહાકાળીના મંદિરે હવન પૂજા શરૂ કરવામાં આવે છે. અહીંના મંદિરમાંથી આપવામાં આવતું શ્રીફળ ભાયલી કોયલી બાળ કાલિકા મંદિરે ગયા પછી ત્યાં હવન પૂજા કરવાની સદીઓ જૂની પરંપરા છે. આજે અનેક જેટલા ભક્તો સાથે આ રથ હાલોલમાં આવતા મોટી સંખ્યામાં લોકો દર્શને ઉમટી પડ્યા હતા અને માતાજીનું મોરપીંછ માથે લગાવવા લાઈનમાં લાગ્યા હતા.
વડોદરા નજીક આવેલા ભાયલી કોયલી ગામે આવેલા મહાકાળીના બાળ સ્વરૂપના મંદિરેથી પેઢી દર પેઢી આ પરંપરા ચાલી રહી છે. અઢીસો, ત્રણસો વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ ચૈત્રી નવરાત્રિ દરમિયાન માતાજીના બાળ સ્વરૂપના મંદિરમાંથી હવન પડીકું અને શ્રીફળ સાથે એક સંઘ માતાજી સાથે રથ લઈ પગપાળા પાવાગઢ ખાતે આવે છે અને સાતમા નવરાત્રિએ હાલોલ પહોંચે છે.
હાલોલ નગરમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરે રથમાં સવારથી આવેલા માતાજીના હાથે પાણીનો દીવો, કંકુથાપા કરવામાં આવે છે. હિન્દુ પરંપરા મુજબ શરૂ થતું નવુ વર્ષ કેવું રહેશે તે અંગે માતાજી પરચો આપે છે. આ દરમિયાન હાલોલ નગરમાં મોટી સંખ્યામાં લોકો આ રથ આવવાની આતૂરતાથી રાહ જોતા હોય છે. રથમાં આવતા માતાજીના દર્શન કરી તેમના હાથે મોરપીંછનું ઝાડુ મારવા અનેક ભક્તો કતારો લગાવે છે.
હાલોલ મહાકાળી મંદિરેથી રાત્રે માતાજી નગરજનોને દર્શન આપતા પાવાગઢ રોડ ઉપર આવેલા સિંધવાઈ માતાજીના મંદિરે જાય છે. ત્યાં પણ પાણીનો દીવો પ્રગટાવી, કંકુથાપા કરી રાત્રે હવન પૂજા અને આરતી કરીને પગપાળા ચાલતા ભક્તોને દર્શન અપાતા આપતા પાવાગઢ મહાકાળી ધામ પ્રસ્થાન કરે છે. અનેક ભક્તો સાથે આવેલો આ ભાયલી કોયલીનો સંઘ વહેલી સવારે સ્નાન કરી મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરી ધજા હવન પડીકું અને શ્રીફળ માતાજીને ચડાવવામાં આવે છે. આ શ્રીફળ પાવાગઢ મંદિરે વહેલી સવારે પહોંચ્યા પછી જ માતાજીના હવન પૂજાની શરૂઆત કરવામાં આવે છે. પાવાગઢ મંદિરેથી જે શ્રીફળ આપવામાં આવે છે એ શ્રીફળ લઈ આ સંઘ બપોર સુધી ભાયલી કોયલી બાળ મહાકાળી મંદિરે પહોંચે છે અને ત્યાં હવન પૂજા શરૂ કરવાની સદીઓ જૂની પરંપરા છે.
આજે આ પરંપરા મુજબ બાળ માતાજીના મંદિરેથી નીકળેલો રથ હાલોલમાં આવ્યો હતો. જ્યાં ભારે ભીડ માતાજીના દર્શન અને ઝાડુ નંખાવવા માટે ઉમટી હતી અને મોરપીંછ માથે લગાવવા કતારમાં લાગ્યા હતા. માઇભક્તોમાં એવી આસ્થા છે કે, ભાયલી કોયલી વાળા માતાજીનું મોરપીંછ માથે લગાવવાથી જીવન ધન્ય બની જાય છે અને વર્ષ દરમિયાન આધિ વ્યાધિ અને ઉપાધિઓમાંથી મુક્તિ મળે છે.