ગાંધીનગર,
આજે ૧૪ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે. આજના દિવસે દર વર્ષની માફક બજરંગદળ દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો. પાટનગર ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં બજરંગદળના કાર્યર્ક્તાઓ હાથમાં દંડા લઈને પહોંચી પ્રેમીયુગલોને ભગાડ્યાં હતાં.
ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં આજે બપોરના સમયે શાંત વાતાવરણ અચાનક અશાંત બની ગયું હતું. અહીં દંડા સાથે આવી પહોંચેલા બજરંગદળના કાર્યર્ક્તાઓએ અચાનક સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા અને ગાર્ડનના તમામ ખૂણાઓમાં પહોંચી પ્રેમીયુગલોને ભગાડ્યાં હતાં. મોટી સંખ્યામાં કાર્યર્ક્તાઓ આવી પહોંચતા પ્રેમીયુગલો પણ સામનો કરવાના બદલે ઘટના સ્થળેથી નીકળી જતાં જોવા મળ્યાં હતાં.
બજરંગદળના કાર્યર્ક્તાઓ ગાંધીનગરના બગીચામાં ફરી વળ્યા હતા. મોટી સંખ્યામાં યુવાનો હાથમાં દંડા લઇને ખેસ પહેરીને બાગમાં અચાનક ત્રાટક્યા હતા. તેમણે પશ્ર્ચિમી દેશોનું અનુકરણ ન કરવાની સૂચના આપી યુગલોને જવા દીધાં હતાં. આ સિવાય પણ બજરંગદળના કાર્યકરો વેલેન્ટાઇન ડેના વિરોધમાં અનેક જગ્યાઓ પર જઇને યુગલોને ભગાડી રહ્યા છે.
ભારતમાં દર વર્ષે આ દિવસનો વિરોધ થતો રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક જૂથો દ્વારા તર્ક-વિતર્કો સાથે વેલેન્ટાઈન ડે ન ઊજવવા અપીલ કરવામાં આવી રહી છે. આ વખતે પણ એનિમલ વેલ્ફેર બોર્ડે ૧૪ ફેબ્રુઆરીને ગાય હગ ડે તરીકે ઊજવવાની જાહેરાત કરી હતી. પરંતુ હંગામા બાદ તે પાછી ખેંચી લેવામાં આવી હતી.