બહુચરાજીના આસજોલમાં જૂથ અથડામણ, પથ્થરમારામાં પોલીસના વાહનોને પણ નુકસાન થયુ

બહુચરાજી,મહેસાણાના બહુચરાજીના આસજોલ ગામ પાસે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. અપશબ્દો બોલવાની બાબતે બંન્ને જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી. જૂથ અથડામણમાં બંન્ને જૂથે એક બીજા પર પથ્થરમારો કર્યો હતો અને વાહનોની તોડફોડ પણ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. પથ્થરમારામાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસના વાહનને પણ નુક્સાન થયુ હતુ. પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આ અગાઉ મહેસાણાના કડીના ફૂલેત્રા ગામે જૂથ અથડામણની ઘટના બની હતી. જૂથ અથડામણમાં પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસની PCR  વાન સહિત ૩ વાહનોને નુકશાન થયુ હતુ. જેમાં એક પોલીસ કર્મીને પણ ઈજા થઈ હતી. જેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. જૂથ અથડામણમાં કુલ ૪ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર કડીના ફુલેત્રા ગામે ભેંસને પાટું મારવાની બાબતમાં જૂથ અથડામણ થયું હતુ. શેરીના એક વ્યક્તિએ ભેંસને પાટુ મારતા મામલો વધુ બિચકયો હતો. જેમાં ઠાકોર ભરતજી વિષ્ણુજી ને રસ્તામાં જતા માર મરાયો હતો.

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના રાણ ગામે જૂથ અથડામણ થયુ હતું . બે જૂથ વચ્ચે જમીન બાબતે માથાકુટ ઉગ્ર બની હતી. અને બંને જૂથ વચ્ચે પથ્થરમારો થતા કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેને સારવાર અર્થ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો કલ્યાણપુર સહિત જિલ્લા એલસીબી અને અન્ય ટીમ ઘટનાસ્થળે પહોંચી કાયદો અને વ્યવસ્થા જાળવી હતી. તો ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, હાલ તો સમગ્ર બનાવને લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી.

થોડા દિવસો અગાઉ જૂનાગઢના બિલખાના થુંબાળા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી. અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ અથડામણમાં અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલ તો પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.