
APMCની પેટાચૂંટણી આમ તો સામાન્ય ગણાય અને એ પણ બહુચરાજી જેવી સામાન્ય આવકવાળી APMCની પેટાચૂંટણી ક્યારે પૂર્ણ થઈ જાય તેની કોઈને ખબર પણ ન પડે. પણ હાલમાં બહુચરાજી APMCમાં ખેડૂત વિભાગમાં ખાલી પડેલી એક બેઠક માટે જાહેર થયેલી પેટાચૂંટણી સમગ્ર રાજ્યના સહકારી રાજકારણ માટે ચર્ચાનો વિષય બની ગઈ છે. આ ચૂંટણી ચર્ચાસ્પદ થવા પાછળનું કારણ એ છે કે આ ચૂંટણીમાં ભાજપના એક પીઢ અગ્રણીએ ભાજપના મેન્ડેડ ધરાવતા ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવી છે અને આ કારણે ભાજપે 88 વર્ષના પીઢ સહકારી અગ્રણીને ભાજપે સસ્પેન્ડ કરી દીધા.

બહુચરાજી APMC આમ તો સાવ નજીવી આવક ધરાવતું ખેત ઉત્પાદન બજાર છે. આ APMCની આખા વર્ષની માંડ 40 લાખ જેટલી માર્કેટ ફીની આવક છે. એટલે કે આ APMC રાજ્યની અન્ય APMCની તુલનામાં ખૂબ નાનું બજાર કહી શકાય. પણ આ નાના ખેત ઉત્પાદન બજારની ચૂંટણી એટલી રસપ્રદ બની જાય છે કે આખા રાજ્યનું સહકારી રાજકારણનું ધ્યાન આ ચૂંટણી તરફ ખેંચાઈ જાય છે. અગાઉ ભાજપના પૂર્વ ગૃહમંત્રી રજનીભાઇ પટેલે આ બજારમાં પેનલ ઉતારી અને તેમણે ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવ્યું. પણ રજનીભાઇ પટેલની પેનલ ચૂંટણી ન જીતી શકી. હવે આ બજારમાં ખેડૂત વિભાગમાં એક બેઠક ખાલી પડતા પેટાચૂંટણી જાહેર કરવામાં આવી.

ભાજપને હતું કે મેન્ડેડ આપ્યું એટલે ઉમેદવાર બિન હરીફ થઈ જશે. પણ ભાજપની તમામ ગણતરી તેમના જ પીઢ સહકારી અગ્રણી વિઠ્ઠલભાઈ પટેલે ખોટી પાડી. ભાજપે આ ચૂંટણીમાં અગાઉ વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા અને મોટા ગજાના નેતા ગણાતા કિરીટ પટેલ દેવગઢને મેન્ડેડ આપ્યું. કિરીટ પટેલને મેન્ડેડ મળતા એમ હતું કે બસ હવે ચૂંટણી જીતી ગયા. પણ કિરીટ પટેલની સામે વિઠ્ઠલભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી. 88 વર્ષીય વિઠ્ઠલભાઈ પટેલ મહેસાણા જિલ્લા સહકારી સંઘના ચેરમેન હોવાની સાથે સાથે પીઢ સહકારી અગ્રણી ગણાય છે. તો બહુચરાજી APMCની સ્થાપના પણ વિઠ્ઠલભાઈ પટેલે જ કરી હતી. વિઠ્ઠલભાઈ પટેલે ભાજપના ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવતા નાની ગણાતી આ ચૂંટણી મોટી બની ગઈ છે. તો બીજી તરફ ભાજપે પીઢ સહકારી અગ્રણીને સસ્પેન્ડ કરી દીધા છે. જોકે, વિઠ્ઠલભાઈ પટેલે સસ્પેન્ડ થયા પછી પણ એવું કહ્યું કે ભાજપ ભલે સસ્પેન્ડ કરે તેઓ તો ભાજપમાં જ છે.
બહુચરાજી APMCમાં હાલ વિજય પટેલ ચેરમેન પદે છે. વિજય પટેલ રજનીભાઇ પટેલની પેનલને હરાવીને ચેરમેન બન્યા હતા. જોકે, પાછળથી વિજય પટેલ અને રજનીભાઇ પટેલ વચ્ચે સમાધાન થઈ જતા બહુચરાજી તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી બિન હરીફ કરવામાં આવી હતી. APMCમાં પેટાચૂંટણી આવતા પાછું સહકારી રાજકારણે રંગ પકડ્યો છે અને ભાજપના જ બે જૂથ સામ સામે આવી ગયા છે. આ કારણે ભાજપે પણ એક્શન લેવી પડી. જોકે, હાલના એપીએમસીના ચેરમેન પણ ભાજપ સાથે જોડાયેલ છે. ત્યારે હવે વિઠ્ઠલભાઈ પટેલે ઉમેદવારી નોંધાવતા આ ચૂંટણીએ રાજકીય રંગ પકડ્યો છે. તો બીજી તરફ વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા કિરીટભાઈ પાર્ટીના આદેશને કારણે ઉમેદવાર બન્યા હોવાનું કહી રહ્યા છે.
બહુચરાજી એપીએમસીની આ ચૂંટણીમાં વિજય મેળવવા હાલ તો બંને જૂથ તનતોડ મહેનત કરી રહ્યા છે. એક તરફ પીઢ સહકારી અગ્રણી તો બીજી તરફ ભાજપના સત્તાવાર ઉમેદવાર. આ ચૂંટણી જીતવા ભાજપે આખા તાલુકાના કાર્યકરોને કામે લગાડી દીધા છે. માત્ર 272 મત માટે હાલ ભાજપના તમામ સ્થાનિક નેતાઓ રાત દિવસના ઉજાગર કરી રહ્યા છે. જોકે, આ તમામ પરિસ્થિતિ વચ્ચે બંને પક્ષ દ્વારા ચૂંટણી જીતવાનો દાવો કરવામાં આવ્યો છે.