બહિષ્કારની રાજનીતિ

માલદીવ બાદ બાંગ્લાદેશમાં પણ ભારતના બહિષ્કારનું જે અભિયાન કેટલાક લોકો ચલાવી રહ્યા છે, તેની જેટલી નિંદા કરવામાં આવે એટલી ઓછી છે. એવા લોકોને ના તો પોતાના દેશનો ઇતિહાસ ખબર છે કે ના ભારતના યોગદાનનું તેમને કોઈ જ્ઞાન છે. માલદીવના સત્તાધારી નેતાઓ અને બાંગ્લાદેશના કેટલાક વિપક્ષી નેતાઓને પોતાની સ્વાર્થપૂર્ણ રાજનીતિ સિવાય કશું જ સૂઝતું નથી. માલદીવ બાદ હવે ઢાકામાં પણ ભારત વિરોધની રાજનીતિ ગરમ થવી આપણને વિચારવા માટે મજબૂર કરે છે. વિપક્ષી બાંગ્લાદેશ નેશનલ પાર્ટી (બીએનપી) લાંબા સમયથી નાગરિકોને ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. અસલમા, આ મુખ્ય વિપક્ષી દળને લાગે છે કે ભારત સત્તારૂઢ અવામી લીગનું સમર્થક છે અને અવામી લીગની જીતમાં ભારતની મોટી ભૂમિકા છે. આ ખરેખર તો બાંગ્લાદેશના વિપક્ષી દળની એક મોટી ભૂલ છે કે ભારત સરકાર બાંગ્લાદેશમાં હસ્તક્ષેપ કરી રહી છે. હા, એ ચોક્કસ કે બાંગ્લાદેશની પ્રગતિમાં ભારતે યથાસંભવ સહયોગ કર્યો છે અને એવા સમયમાં બાંગ્લાદેશમાં જે પણ સરકાર હશે, તે સ્વાભાવિક રૂપે મજબૂત હશે. બાંગ્લાદેશના વિપક્ષી નેતા કદાચ ભૂલી ગયા છે કે જ્યારે બાંગ્લાદેશમાં સૈન્ય પ્રભુત્વ વયું હતું, ત્યારે પણ ભારતે ત્યાંના રાજકારણમાં હસ્તક્ષેપ નહોતો કર્યો.

જોકે બાંગ્લાદેશની સરકાર કે વડાપ્રધાને ભારતનો બચાવ કર્યો છે અને વિપક્ષોના બેવડા વલણની નિંદા કરી છે. અસલમાં બાંગ્લાદેશ જો ચાહે તો પણ ભારતનો બહિષ્કાર ન કરી શકે, કારણ કે ત્યાં ભારતીય ઉત્પાદનોની ભરમાર છે. ભારતીય ઉત્પાદનોનો વિરોધ વ્યાવહારિક અને સૈદ્ઘાંતિક, બંને રૂપોમાં અયોગ્ય છે. તેમ છતાં ખબર નહીં કયા લાભ માટે બીએનપીના વરિષ્ઠ નેતા કબીર રિઝવીએ પોતાના ખભે પહેરેલી એક ભારતીય શાલ ઉતારીને ફેંકી દીધી. ભારતીય-કાશ્મીરી શાલ ફેંક્તાં પહેલાં તેમણે એ ન વિચાર્યું કે તેઓ કયા પ્રકારની લડાઈને ઉત્તેજન આપી રહ્યા છે. ‘હેશટેગ ઇન્ડિયાઆઉટ’ અને ‘બોયકોટ ઇન્ડિયન પ્રોડક્ટ્સ’ના નામે રાજનીતિ ગંભીર ભૂલ સિવાય બીજું શું છે? વિપક્ષના આ અભિયાનના જવાબમાં બાંગ્લાદેશનાં વડાંપ્રધાન શેખ હસીનાએ વિપક્ષી નેતાઓને પડકાર ફેંક્યો છે કે જે દિવસે તમે (બીએનપી) કાર્યાલય સામે તમારી પત્નીઓની તમામ ભારતીય સાડીઓ બાળી મૂકશો, તે દિવસે મને વિશ્ર્વાસ થઈ જશે ક તમે વાસ્તવમાં ભારતીય સામાનનો બહિષ્કાર કરી રહ્યા છો. બેશક, ભારતીય સાડીઓ પ્રત્યે બાંગ્લાદેશમાં સ્વાભાવિક લગાવ છે, તેનાથી બચી ન શકાય, પરંતુ બહિષ્કાર માટે કોઈને પણ કોઈ રીતે ઉશ્કેરવા યોગ્ય નથી. ત્યાં સત્તા પક્ષ અને વિપક્ષ, બંનેએ સમજદારીનો પરિચય આપવો રહ્યો, જેથી ભારતીયોની ભાવનાને કોઈપણ પ્રકારે ઠેસ ન પહોંચે. માલદીવના સત્તાધારી નેતા હોય કે બાંગ્લાદેશના વિપક્ષી નેતા, બંનેએ તાકક રીતે પોતાની ફરિયાદ રજૂ કરવી જોઇએ, જેથી શાલીનતાના દાયરામાં ભારત પડોશી ધર્મને અનુકૂળ સુધાર કરી શકે. કોઈ અન્ય ભારત વિરોધી દેશના ઇશારે ફેંસલો કરવાને બદલે આ દેશોએ પોતાના અતીત, વર્તમાન અને ભવિષ્ય જોવું જોઇએ. સંબંધોમાં હલકટતા ન આવવી જોઇએ. બાંગ્લાદેશ દિક્ષણ એશિયામાં ભારતનું સૌથી મોટં વેપારી ભાગીદાર છે. એવામાં ત્યાં ભારત ક્યારેય રાજકારણનો વિષય ન બને. માલદીવની જેમ ન થવું જોઇએ કે તમે ઇન્ડિયા આઉટનો નારો લગાવતા રહો અને તમારે ભારત પાસેથી ઉદાર મદદ પણ જોઇતી હોય.