બહેને ૧૨ વર્ષના ભાઈનું ગળું દબાવી પતાવી દીઘા

ફરીદાબાદ, હરિયાણાના ફરીદાબાદમાં ૧૫ વર્ષની બહેને તેના ૧૨ વર્ષના ભાઈનું ગળું દબાવીને હત્યા કરી નાખી. ડેડબોડીને પલંગ પર મૂકી, તેને ચાદરથી ઢાંકી દીધી. જ્યારે પોલીસે સગીરાની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે ભાઈએ તેને ગેમ રમવા માટે મોબાઈલ આપ્યો ન હતો તેથી તેણે તેની હત્યા કરી.સગીરાએ એમ પણ કહ્યું કે માતા-પિતા તેના ભાઈને વધુ પ્રેમ કરે છે. ગેમ રમવા માટે તેને જ મોબાઈલ આપતાં હતાં. જો હું મોબાઈલ માગતી કે ગેમ રમતી તો મને ઠપકો આપતાં.

પીડિતનો પરિવાર ફરીદાબાદના કોલીવાડામાં રહે છે. ગુરુવારે માતા-પિતા કામ પર ગયાં હતાં. પુત્ર અને બહેન એકલાં હતાં. મૃતકની માતાએ કહ્યું- સાંજે જ્યારે તે ડ્યૂટી પરથી પાછી આવી ત્યારે દીકરો પલંગ પર સૂતો હતો. અમને લાગ્યું કે દીકરો સૂતો હશે. જ્યારે તે લાંબા સમય સુધી ન જાગ્યો ત્યારે તેઓએ તેને જગાડવાનો પ્રયાસ કર્યો. બાળકના ગળા પર કેટલાંક નિશાન જોવા મળ્યાં હતાં. શંકા થઈ. ત્યાં સુધીમાં આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા.

દીકરાના ગળા પરના નિશાન જોઈને દીકરીને બોલાવી. દીકરીએ કહ્યું કે તેને કંઈ ખબર નથી. વચ્ચે થોડો સમય તે ટેરેસ પર ગઈ હતી. તેણે કોઈને અહીં આવતા-જતા જોયા પણ નથી. તેને ખબર નથી કે તેના ભાઈને શું થયું છે?

માતાપિતાને શંકા હતી કે તેમના પુત્ર સાથે કંઈક ખોટું થયું છે. આ અંગે તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે ઘરમાં તપાસ કરી હતી. બહારના લોકો ઘરમાં પ્રવેશ્યા હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. પોલીસને પણ બહેન પર શંકા ગઈ.

પહેલાં તો સગીરા હત્યા કર્યાની ના પાડી રહી હતી. પોલીસે કડક્તા દાખવતાં તેણે કહ્યું- ભાઈ મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો. મેં પૂછ્યું તો પહેલાં કહ્યું કે થોડા સમય પછી આપીશ. પછી પણ તેણે મોબાઈલ આપ્યો ન હતો. ગુસ્સામાં મેં મારા ભાઈનું ગળું દબાવી દીધું.