બુધવારે મોડી રાત્રે બાંગ્લાદેશના ઘણા શહેરોમાં ફરી હિંસા ફાટી નીકળી. ઢાકામાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પિતા અને બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનના ધાનમોન્ડી-32 નિવાસસ્થાને લોકોએ હુમલો કર્યો અને તોડફોડ કરી.સોશિયલ મીડિયા પર ‘બુલડોઝર જુલૂસ’ની જાહેરાત થયા બાદ હિંસા ફાટી નીકળી હતી. હુમલો થયો ત્યારે સુરક્ષા દળો પણ હાજર હતા. ભીડને ત્યાંથી જવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બધા પ્રયાસો નિષ્ફળ ગયા.
કેટલાક તોફાનીઓ તો રહેઠાણો અને સંગ્રહાલયોમાં પણ ઘૂસી ગયા. બાલ્કની પર ચઢી ગયા અને તોડફોડ કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘરને પણ આગ લગાવવામાં આવી હતી. તેના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આજે હિંસા કેમ ફાટી નીકળી? બાંગ્લાદેશમાં, આવામી લીગે 6 ફેબ્રુઆરીથી વિરોધ કૂચ કાઢવાની જાહેરાત કરી છે. શેખ હસીના વિરુદ્ધ દાખલ કરાયેલા કથિત કેસ અને લઘુમતીઓ પરના હુમલાના વિરોધમાં આ કૂચ કાઢવામાં આવનાર છે. આ પહેલા, 5 ફેબ્રુઆરીએ રાત્રે 9 વાગ્યે, શેખ હસીના તેમના સમર્થકોને ઓનલાઈન ભાષણ આપવાના હતા.
અગાઉ હસીનાનો વિરોધ કરતા વિદ્યાર્થીઓએ સવારે 9 વાગ્યે ‘બુલડોઝર માર્ચ’ કાઢવાની જાહેરાત કરી હતી. આ માટે સોશિયલ મીડિયા પર પ્રમોશન કરવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે શેખ હસીનાના પિતાનું ઘર તોડી પાડવામાં આવશે, પરંતુ વિરોધીઓએ 8 વાગ્યે વિરોધ શરૂ કર્યો.