બાંગ્લાદેશ સામેની ટી-૨૦ સિરીઝમાં ગિલને આરામ આપવામાં આવશે

ભારતીય વાઇસ કેપ્ટન શુભમન ગિલને બીસીસીઆઈની વર્કલોડ મેનેજમેન્ટ પોલિસી હેઠળ બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની ટી ૨૦ સિરિઝમાં આરામ આપવામાં આવશે.પંજાબનો ૨૫ વર્ષીય બેટ્સમેન ગિલ ત્રણેય ફોર્મેટમાં ટીમનો મહત્વનો સભ્ય છે. ત્રણ મેચોની શ્રેણી ૭ ઓક્ટોબરથી ગ્વાલિયરમાં શરૂ થશે. બીજી મેચ ૧૦ ઓક્ટોબરે દિલ્હીમાં અને ત્રીજી મેચ ૧૩ ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે. ભારત તેની આંતરરાષ્ટ્રીય સીઝનની શરૂઆત ૧૯ સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની શ્રેણીથી કરશે.

બીજી ટેસ્ટ ૨૭ સપ્ટેમ્બરે કાનપુરમાં રમાશે. ટેસ્ટ મેચોમાં ભારત માટે ત્રીજા નંબરે બેટિંગ કરનાર ગિલ રોહિત, કોહલી અને યશસ્વીની સાથે ટીમના ટોપ ઓર્ડરમાં મહત્વનો ખેલાડી છે. ગિલ આ સિઝનમાં તમામ ૧૦ ટેસ્ટ રમે તેવી અપેક્ષા છે. ન્યુઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીને યાનમાં રાખીને ગિલ સિવાય અન્ય કેટલાક મહત્વના ખેલાડીઓને પણ આરામ આપવામાં આવશે.બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું કે, હા, ગિલને ટી-૨૦ શ્રેણી માટે આરામ આપવામાં આવશે. આ મેચનાં ત્રણ દિવસ બાદ ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટ ૧૬ ઓક્ટોબર શરૂ થશે. તેથી ગિલને માત્ર ત્રણ દિવસનો આરામ આપવો જરૂરી છે.

વર્તમાન સિઝનમાં ભારતીય ટીમ માટે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચો સૌથી ઓછી મહત્વની છે. જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ તેનાં એજન્ડામાં ટોચ પર છે. સાથે જ ઓડીઆઇ ફોર્મેટ પણ ટીમ માટે મહત્વપૂર્ણ છે કારણ કે ચેમ્પિયન્સ ટ્રોફી ફેબ્રુઆરી-માર્ચમાં આ ફોર્મેટમાં રમાશે. એવું માનવામાં આવે છે કે ટેસ્ટ ટીમમાં સામેલ મોટાભાગનાં ખેલાડીઓ બાંગ્લાદેશ સામેની ટી-૨૦ શ્રેણીમાં રમે તેવી શક્યતા નથી. રોહિત, વિરાટ અને જાડેજાની ત્રિપુટીએ ટી-૨૦ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. જ્યારે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજને પણ વર્કલોડ મેનેજમેન્ટની જરૂરિયાત મુજબ આરામ આપવામાં આવશે.

ૠષભ પંત ટી-૨૦ રમે છે કે નહીં તેનાં પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો પંતને આરામ આપવામાં આવે તો આ વર્ષે ૯ મહિના સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર રહેલા ઈશાન કિશનના નામ પર ફરી એકવાર વિચાર કરવામાં શકે છે.

Don`t copy text!