- ભાજપે સભાનું આયોજન નથી કર્યું : ભાજપ પ્રવકતા
સુરત, બાગેશ્ર્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્ર્વરની ગુજરાત યાત્રા હાલ ગુજરાતભરમાં ચર્ચાનો મુદો બની ગઈ છે. ત્યારે આ મામલે આજે સુરત ખાતે ગુજરાતના પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે,’ધર્મના નામે ધતિંગ કરતાં આ બાબા બીજેપીનું માર્કેટિંગ કરે છે.’ આ મુદ્દે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યુ હતું કે, બાપુને કોઈએ ગેરમાર્ગે દોર્યા છે. ભાજપે બાબાના કાર્યક્રમનું આયોજન નથી કર્યું.
સુરતના ભરાટ વિસ્તાર ખાતે એક સંબંધીના બેસણામાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આવ્યા હતા. ત્યારે બાબા બાગેશ્ર્વરની ગુજરાત યાત્રા અંગે તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં ધર્મના નામે ધતિંગ કરવાવાળા ઓછા નથી અને તેઓ ક્યારેય ભૂખ્યા નથી મરતા. તેમનો આ પ્રકારે જ ઉપયોગ થાય છે. ધર્મનો રાજકારણમાં ઉપયોગ ન કરવો જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ધર્મના નામે આ પ્રકારના નાટક બંધ કરી દેવા જોઈએ. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ રીતે ભગવાધારીનો દુરુપયોગ કરવામાં આવે છે અને ચમત્કારના નામે ખોટાં નાટક કરવામાં આવે છે. આ પ્રકારની વાહિયાત વાતોનો કોઈ અવકાશ નથી. આવા બધા બાબાઓના જે ભક્તો હોય તેને આગળ જતાં ઘણું બધું ભોગવવું પડે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે,ધર્મના નામે ધતિંગ કરવાવાળા લોકો તો કલ્પના બહાર છે. આ બધું બીજેપી જ કરે છે. કર્ણાટકમાં ’ધ કેરલા સ્ટોરી’ હોય કે બજરંગબલી.. આ બધું બીજેપીનું જ કોલાબ્રેશન છે. રાજકારણમાં આ બધું યોગ્ય નથી.
શંકરસિંહ વાઘેલાના આ નિવેદન મામલે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે શંકરસિંહ બાપુને કોઈએ ગેરમાર્ગે દોર્યા છે. બાપુ ભૂતકાળમાં હિન્દુવાદી આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા. પ્રથમ તો એ સમજી લેવું જરૂરી છે કે ભારતીય જનતા પાર્ટી એ સનાતન ધર્મ સાથે જોડાયેલો પક્ષ છે. જેથી કોઈ પણ ધર્મના લોકોની લાગણી દુભાઈ તેવાં કામ ન કરે એટલે સનાતન ધર્મની વાત આવે ત્યારે પક્ષાપક્ષીની વાત નથી આવતી. ધીરેન્દ્ર શાીએ કોઈ તંત્ર-મંત્ર સાથે જોડાયેલા વ્યક્તિ નથી. તેઓ કોઈપણ પ્રકારના ચમત્કાર નથી કરતા. તેમની જે સભા થતી હોય તેમાં જવા માટે કોઈપણ પ્રકારની ફી વસૂલવામાં નથી આવતી. નાણાં લેવામાં આવતાં નથી.
તેમણે જણાવ્યું હતું કે, ત્યાં આવનાર વ્યક્તિ પોતાની સમસ્યાના નિરાકરણ માટે આવે છે અને બાગેશ્ર્વર બાબા પોતાની રીતે યોગ્ય લાગે એ પ્રમાણે જવાબ આપે છે પરંતુ અહીં એ વાતની ચોખવટ આવશ્યક છે કે ભારતીય જનતા પાર્ટી આ પ્રકારની કોઈ પણ સભાનું આયોજન કરતી નથી. હા, એવું શક્ય હોય કે આ કાર્યક્રમના આયોજનમાં જે લોકો જોડાયેલા છે એ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે પણ જોડાયેલા હોય પરંતુ પક્ષ દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવતું નથી.
તેમણે જણાવ્યું હતું કે, ભારત અને ગુજરાતમાં મોટાભાગનો જનસમૂહ ભાજપ સાથે જોડાયેલો છે ત્યારે જનસમુદાયને અનુલક્ષીને સનાતન ધર્મનો કાર્યક્રમ યોજાય તેમાં કોઈને કોઈ પક્ષના વ્યક્તિઓ હોય એ સ્વાભાવિક છે પરંતુ તેને પક્ષ સાથે સીધું જોડી દેવું એ યોગ્ય નથી, તેવી મારી શંકરસિંહ બાપુને નમ્ર વિનંતી છે. એવું નથી કે આ કાર્યક્રમમાં માત્ર ભાજપના જ લોકો જોડાયેલા હોય, કોંગ્રેસ પક્ષના લોકો પણ આ કાર્યક્રમમાં જોડાયેલા છે. જે લોકો સનાતન ધર્મમાં માનતા હોય તે આ કાર્યક્રમમાં જોડાઈ શકે છે. બાબાસાહેબ આંબેડકરે ભારતના બંધારણમાં દરેક નાગરિકને એ અધિકાર આપ્યો છે કે પોતાની ઈચ્છા અનુસાર જે ધર્મમાં માનવું હોય તેમાં માની શકે છે અને પોતાના ધર્મને અનુલક્ષીને કાર્યક્રમનું આયોજન કરી શકે છે.
નોંધનીય છે કે અવારનવાર પોતાના નિવેદનને કારણે વિવાદમાં રહેતા અને હિન્દુરાષ્ટ્રનું અભિયાન છેડનારા બાગેશ્ર્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ગુજરાતમાં આવી રહ્યા છે. પ્રથમ ૨૭-૨૮ના રોજ સુરત, ૨૯-૩૦મીના રોજ અમદાવાદ અને એ બાદ ૧-૨ જૂનના રોજ રાજકોટ ખાતે તેમનો દિવ્ય દરબાર યોજાશે. તેને લઈને આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ, વિવાદોથી ઘેરાયેલા ધીરેન્દ્ર શાસ્ત્રી ના દિવ્ય દરબારનો વિરોધ વંટોળ ગુજરાતમાં ઊઠ્યો છે.