બુધવારે ગ્રેટર નોઈડામાં બાગેશ્વરધામના બાબા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારમાં ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. ગરમી અને ભેજને કારણે અનેક લોકો બેહોશ થઈ ગયા હતા તેમજ 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલ છે.
તમામને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. દિવ્ય દરબારમાં અરજી કરવા ભીડ બેકાબૂ બની ગઈ અને અરાજકતા ફેલાઈ ગઈ. આ દરમિયાન એક મહિલાને વીજકરંટ લાગ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે VIP પાસની પાછળ એક નાના ગેટથી એન્ટ્રી થઈ રહી હતી, જ્યાં ઇલેક્ટ્રિક વાયરથી એક મહિલાને કરંટ લાગ્યો.જણાવવામાં આવી રહ્યું છે કે નાસભાગને કારણે મોટા ભાગે બાળકો, વૃદ્ધો અને મહિલાઓ ઘાયલ થયાં છે. કેટલીક મહિલાઓને માથામાં ગંભીર ઈજાઓ થઈ છે. એક મહિલાની આંખ ઉપર ઈજા થઈ છે. ઘાયલોને ત્રણ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
બાબાના દિવ્ય દરબારમાં આયોજકો દ્વારા મૂકવામાં આવેલા ત્રણેય પંડાલ સંપૂર્ણ રીતે ભરાઈ ગયા હતા. પંડાલની બહાર પણ ભક્તોની ભીડ જોવા મળી હતી. બાબાના કાર્યક્રમ માટે મોટી સંખ્યામાં VVIP પાસ ઈસ્યુ કરવામાં આવ્યા હતા, પરંતુ ભીડને જોતાં પહેલાં જ VIP એન્ટ્રી બંધ કરી દેવામાં આવી હતી.બપોરે 12 વાગ્યા પહેલા જ પાંચ લાખથી વધુ લોકો દરબારમાં પહોંચી ગયા હતા. આ પછી પણ ભક્તો દરબારમાં આવતા જ રહ્યા. ધીરેન્દ્ર શાસ્ત્રીની એક ઝલક મેળવવા માટે ઘટનાસ્થળ પર પરિસ્થિતિ નિયંત્રણ બહાર ગઈ હતી. સ્થિતિ જોઈને પોલીસે ભક્તોને ઘરે જવા વિનંતી કરી. લોકોને તેમના ઘરેથી પ્રવચન સાંભળવા માટે કહેવામાં આવ્યું હતું. ટીવી પર તેમનો કાર્યક્રમ આવી રહ્યો છે.