Amreli : અમરેલી જિલ્લામાં બગસરાના હાલરીયા ગામે સિંહણે (Lioness) બાળકીનો શિકાર (hunting) કરતા ફફડાટ ફેલાયો છે.સામાન્ય રીતે અમરેલી અને તેની આસપાસના વિસ્તારમાં સિંહ અને સિંહ પરિવારનાં આંટા ફેરા જોવા મળતા હોય છે. જો કે તેમના દ્વારા માનવ પર હુમલો કરવામાં આવે તેવી ઘટના બનતી નથી હોતી. જો કે બગસરામાં બનેલી આ ઘટના બાદ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
બગસરાના હાલરીયા ગામે પાંચ વર્ષની બાળકીને ઉઠાવી જઇ સિંહણે ફાડી ખાધી હતી. સામાન્ય રીતે આ વિસ્તારોમાં સિંહ દેખાય તો પણ તે પશુઓનું મારણ કરતા હોય છે. જો કે એક બાળકી પર સિંહણના હુમલાની ઘટનાએ સ્થાનિકોમે હચમચાવી દીધા છે.સ્થાનિકો દ્વારા જલ્દીમાં જલ્દી આ સિંહણને પાંજરે પુરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
બનાવની વાત કરીએ તો બગસરાના હાલરિયા ગામમાં રાતના સમયે વીજળી ન હોવાથી મજૂર પરિવાર પોતાની પાંચ વર્ષની દીકરી સાથે બહાર ઉંઘી રહ્યાં હતા. દરમિયાન એક સિંહણ આવી હતી અને બાળકીને ઉપાડીને ભાગી ગઇ હતી. પરિવારે ઘટના અંગે વન વિભાગને જાણ કરી હતી. જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આખી રાત સુધી બાળકીની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ સવારે વન વિભાગની ટીમને બાળકીના કેટલાક અવશેષો મળી આવ્યાં હતા. હાલ તો સિંહણને પકડવા માટે વન વિભાગે કવાયત હાથ ધરી છે. તો બીજી તરફ સિંહણે બાળકીનો શિકાર કરતા આસપાસના સ્થાનિકોમાં ભય ફેલાયો છે.