બાગમતી નદીમાં ૧૨ લોકો ડૂબ્યા,૩ મૃતદેહ મળ્યા

મુઝફરપુર, બિહારના મુઝફરપુરમાં બાગમતી નદીમાં બોટ દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. લોકો બાળકોને બચાવવા માટે ચીસો પાડી રહ્યા છે. કેટલાક લોકો તો નદીમાં પણ કૂદી પડે છે. એક બોટ પણ બચાવ માટે આવે છે. આ દરમિયાન કેટલાંક બાળકોનો બચાવ થયો હતો, પરંતુ ઘટનાની થોડી જ સેકન્ડોમાં નદીમાં એક પછી એક ૧૨ લોકોનાં મોત થયાં હતાં.

મધુરપટ્ટી ગામમાં ગુરુવારે ૩૨ લોકોને લઈને જતી બોટ અચાનક પલટી ગઈ હતી. ૨૦ લોકોને ગ્રામજનોએ બચાવી લીધા હતા, પરંતુ ૧૨ લોકો નદીમાં ડૂબી ગયા હતા અને જોરદાર પ્રવાહમાં વહી ગયા હતા, જેમાં મોટા ભાગનાં બાળકોનો સમાવેશ થાય છે, જેઓ શાળાએ જતાં હતાં. તેમને શોધવા માટે દ્ગડ્ઢઇહ્લની ટીમે ૭ કલાક સુધી બચાવ કામગીરી હાથ ધરી હતી, પરંતુ સફળતા મળી ન હતી.

અહીં ઘટનાના ૨૪ કલાક બાદ અત્યારસુધીમાં ત્રણ મૃતદેહ મળ્યા છે. ૯ની શોધખોળ હજુ ચાલુ છે. પ્રથમ લાશ ૪ વર્ષની બાળકીની મળી આવી હતી. બાળકીની ઓળખ અજમત તરીકે થઈ છે. તેનો મૃતદેહ બગર લક્ષ્મી પાસે રોડ કિનારે મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

બીજો મૃતદેહ બલૌર વિસ્તારમાંથી મળી આવ્યો હતો. હાલ એની ઓળખ થઈ નથી. જ્યારે ત્રીજો મૃતદેહ ગોરીહરિ ઘાટમાંથી મળી આવ્યો છે. ત્રીજો મૃતદેહ પિન્ટુનો છે, જે બાળકોને બચાવતા ડૂબી ગયો હતો. પિન્ટુએ જ બે બાળકોને ડૂબતાં બચાવ્યાં હતાં. જોકે છેલ્લે પોતે બચવાનો પ્રયાસ કરતાં ડૂબી ગયો હતો.

રેસ્ક્યૂ-ઓપરેશન વિશે માહિતી આપતાં જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રણવ કુમારે જણાવ્યું હતું કે અંધારું હોવાને કારણે હાલપૂરતું ઓપરેશન રોકી દેવામાં આવ્યું છે. એને શુક્રવારે સવારે ૭ વાગ્યાથી ફરી શરૂ કરવામાં આવશે. વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય સિંહા પણ આજે રોડ માર્ગે ઘટનાસ્થળે પહોંચશે. તેઓ ત્યાં જશે અને પીડિત પરિવારોને મળશે.

આ ઘટના બાદ સમગ્ર ગામમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. જે ઘરોમાં બાળકો કે પરિવારના સભ્યો ગુમ થયાં હતાં તેઓ સતત નદી કિનારો જોતા હતા. બીજા દિવસે પણ લોકો નદી પાસે આવીને એવી આશા સાથે ઊભા છે કે તેમનાં પરિવારજનો પાછાં આવશે.

બાગમતીના તેજ પ્રવાહને કારણે બચાવકાર્યમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુરુવારે એસડીઆરએફની ટીમ પાણીના જોરદાર પ્રવાહમાં ગુમ થયેલા લોકોને શોધવામાં વ્યસ્ત હતી. આ દરમિયાન જીડ્ઢછઇહ્લનો એક જવાન પણ નિયંત્રણ ગુમાવવાને કારણે ડૂબવા લાગ્યો હતો, પરંતુ ટીમના સભ્યોએ તેને બચાવી લીધો હતો.

પોતાની પુત્રી અને ભત્રીજીના ડૂબી જવાથી ખૂબ જ દુ:ખી જયનારાયણ યાદવે જણાવ્યું હતું કે પુત્રી રાધા અને ભત્રીજી સુસ્મિતા ભોજન કરીને શાળાએ ગયાં હતાં. હોડી ડૂબી જવાનો અવાજ આવ્યો. તે નદી તરફ દોડવા લાગ્યા. જ્યારે તેઓ કિનારે પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમની પુત્રી અને ભત્રીજી ડૂબી ગયાં છે. અહીં દીકરીના ડૂબવાના શોકમાં સુસ્મિતાની માતા નદીમાં કૂદી પડી હતી અને ગ્રામજનોએ તેને બચાવી હતી.