- પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી માટે મતદાન શરૂ
- મતદાન પહેલા મોડી રાતથી ઘણા જિલ્લાઓમાં હિંસા ફાટી નીકળી
- અલગ-અલગ જિલ્લામાં હિંસાને કારણે 7 રાજકીય કાર્યકરોના મોત
પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. પરંતુ મતદાન પહેલા મોડી રાતથી ઘણા જિલ્લાઓમાં હિંસા ફાટી નીકળી હતી. અલગ-અલગ જિલ્લામાં હિંસાને કારણે ઓછામાં ઓછા 7 રાજકીય કાર્યકરોના મોત થયા છે. જેમાં તૃણમૂલ કોંગ્રેસના પાંચ, ભાજપ અને સીપીઆઈ(એમ)ના એક-એક કાર્યકર્તા છે. આ સિવાય ઘણા કાર્યકરોને ગોળી વાગી છે, ઘણા હુમલામાં ઘાયલ થયા છે. તમામ પક્ષો એકબીજા પર હુમલાનો આરોપ લગાવી રહ્યા છે. આ પ્રકારની હિંસા ત્યારે થઈ રહી છે જ્યારે ચૂંટણી શાંતિપૂર્ણ રીતે કરાવવા માટે મોટી સંખ્યામાં કેન્દ્રીય દળો અને રાજ્ય પોલીસ તૈનાત કરવામાં આવી છે.
BJPએ કૂચબિહાર જિલ્લામાં તેના એક પોલિંગ એજન્ટ માધવ બિસ્વાસનો વીડિયો શેર કર્યો છે. TMC કાર્યકર્તાઓ પર આરોપ લગાવતા ભાજપે કહ્યું કે, માધવની ખૂબ જ ખરાબ રીતે હત્યા કરવામાં આવી છે. માધવ કૂચબિહારના ફાલીમારી ગામમાં પોલિંગ એજન્ટ હતો. હુમલા બાદ આ બૂથ પર મતદાન અટકાવી દેવામાં આવ્યું હતું. માયા બર્મન અહીંથી ભાજપના ઉમેદવાર છે. ન્યૂઝ એજન્સી ANIએ એક તસવીર પોસ્ટ કરી છે જેમાં માયાના માથા પર પટ્ટી બાંધેલી છે. માયાનો આરોપ છે કે, TMCના ગુંડાઓએ તેના એજન્ટ પર બોમ્બ ફેંકીને તેની હત્યા કરી હતી. તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
કાર્યકર્તાઓ પર હુમલા
TMC કાર્યકર્તાઓ પર પણ ઘણી જગ્યાએ હુમલા થયા છે. મુર્શિદાબાદ જિલ્લો પહેલેથી જ ભારે હિંસાની ઝપેટમાં છે. અહીંના કપાસડાંગા વિસ્તારમાં TMCના એક કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. હોસ્પિટલમાં લાવવામાં આવતા જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મુર્શિદાબાદના રેજી નગર ખાતે કથિત બોમ્બ વિસ્ફોટમાં અન્ય ટીએમસી કાર્યકરનું મૃત્યુ થયું હતું. અને જિલ્લાના ખરગ્રામ વિસ્તારમાં પાર્ટીના કાર્યકરની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.
તૃણમૂલ કોંગ્રેસે શું કહ્યું ?
તૃણમૂલ કોંગ્રેસે કાર્યકરો પર હુમલા અને કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા માટે રાજ્યમાં તૈનાત કેન્દ્રીય દળોને જવાબદાર ઠેરવ્યા હતા. TMCએ સત્તાવાર હેન્ડલ પરથી ટ્વિટર પર લખ્યું કે, આવી દુ:ખદ ઘટનાઓ મતદારોને આંચકો આપે છે. રેજીનગર, તુફાનગંજ અને ખરગ્રામમાં અમારી પાર્ટીના ત્રણ કાર્યકરો માર્યા ગયા છે. ડોમકોલમાં બે કાર્યકર્તાઓને ગોળી વાગી છે. ભાજપ, સીપીઆઈએમ અને કોંગ્રેસ કેન્દ્રીય દળોને તૈનાત કરવા માટે સખત દબાણ કરી રહ્યા છે. તેથી કેન્દ્રીય દળો ક્યાં છે? જ્યારે તેમની સૌથી વધુ જરૂર હોય ત્યારે દળો? આ ચૂંટણી શરૂ થાય તે પહેલા જ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં તેમની નિષ્ફળતાનું સૂચક છે.