દાહોદ બાળકી મર્ડર કેસમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. 6 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર અને બાળકીની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર શાળાના આચાર્યનું કનેક્શન ભાજપ સાથે જોડાયેલું હોય એવી કેટલીક તસવીરો સામે આવી છે. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ આરોપી ગોવિંદ નટના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેમાં તે વિશ્વ હિંદુ પરિસદના કાર્યકમમાં ભાગ લેતો તેમજ પૂર્વ મંત્રી અર્જુનસિંહ સાથે બેઠક કરતો જોવા મળ્યો છે. તો આવો… જાણીએ ગોવિંદ નટે ભાજપ માટે કરેલા અત્યારસુધીનાં કામો વિશે શું કહે છે કોંગ્રેસ…
આ બાબતે કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતના લોકોનું કાળજું કંપાવી દે એવી ઘટના દાહોદમાં બની છે. 6 વર્ષની બાળકીની તેની જ શાળાના આચાર્યએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી. જ્યારે ભાજપ સરકાર બેટી પઢાવોના નારા આપે ત્યારે ગુજરાતની જનતાને બેટી બચાવના નારા આપવા પડે એવી હાલ પરિસ્થિત જોવા મળી રહી છે. આ ઘટનાના આરોપી આચાર્યનું ક્યાંક ને ક્યાંક ભાજપની માતૃસંસ્થા સંઘ જોડે કનેક્શન છે. સંઘ પોતાને સંસ્કારી ગણાવે છે. એ જ સંઘના લોકો આજે એક બાળકીની હત્યામાં સામેલ છે. અનેક લોકો પાસેથી એવા પણ સમાચાર મળ્યાં કે ગોવિંદ ચૂંટણીમાં પણ ભાજપનું કામ કરતો હતો. તો આ પ્રકારના લોકો ભાજપમાંથી જ કેમ નીકળે છે એ સમજાતું નથી. ભાજપ સાથે જોડાયેલા લોકો પર જ હત્યા તેમજ દુષ્કર્મના ગુના નોંધાય તો આવા શાસનમાં કેવી રીતે ગુજરાતની દીકરીઓ સુરક્ષિત રહેશે.
આજે મીણબત્તી લઈને નીકળતા ભાજપના લોકોને પૂછવું છે કે તમે ક્યારે દાહોદની દીકરીની હત્યા કરનાર આચાર્યના વિરુદ્ધમાં મીણબત્તી લઈને નીકળવાના છો. આચાર્યના પોતાના ફેસબુક પર ત્રણ-ત્રણ એકાઉન્ટ હતાં, પણ 2015-16 પછી એકપણ પોસ્ટ અપડેટ દેખાતી નથી. જોકે કેટલાક ફોટો સામે આવ્યા છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે કઈ રીતે આ વ્યક્તિ પોલિટિકલ પાર્ટી તેમજ તેની સંસ્થા સાથે સંકળાયેલો હતો.